તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:દક્ષિણ સોનગઢના 4 ગામની 5450ની જનસંખ્યા મોબાઈલ નેટવર્કથી વંચિત

સોનગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટા કાકડકુવા, કૂકડાડુંગરી, ચકવાણ, તરસાડીના લોકોની કલેક્ટરને રજૂઆત

દક્ષિણ સોનગઢ તાલુકા વિસ્તારમાં આવેલા ચાર જેટલા ગામમાં હાલ મોબાઈલ નેટવર્ક પૂરતા પ્રમાણમાં મળતું ન હોય લોકો અને વિધાર્થીઓ ઓનલાઇન સેવાથી વંચિત રહેવા પામે છે.આ સંદર્ભે ગ્રામજનોએ તાપી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી મોબાઈલ નેટવર્ક મળે એવી માંગણી કરી હતી.

આ અંગે સોનગઢ તાલુકા પંચાયતના સભ્ય રાયસીંગભાઈ ગામીત અને અન્ય સરપંચો તથા આગેવાનોએ જિલ્લા કલેકટરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે હાલમાં કોવીડ-19ની વૈશ્વિક મહામારીના સમયમાં તમામ શૈક્ષણિક કાર્ય,સરકારી અને સંસ્થાકીય કાર્યક્રમો, સરકારી યોજનાઓ, તમામ કોર્ટ કેસો વગેરે એક્ટિવિટી ઓનલાઇન ચાલી રહી છે.

શૈક્ષણિક કર્યો પર નજર નાખીએ તો બાલભવન, પ્રાથમિક શાળાથી માંડીને તમામ ઉચ્ચ અભ્યાસક્રમો પણ હાલના સમયમાં ઓનલાઇન શિક્ષણ પર નિર્ભર છે.જો કે સોનગઢ તાલુકા કે જેનો મોટાભાગનો વિસ્તાર જંગલ અને અંતરિયાળ છે, જ્યાં મોબાઈલ નેટવર્કની સુવિધા મળતી નથી. એવાં વિસ્તારમાં લોકોની સ્થિતિ કપરી બની ગઈ છે. દક્ષિણ સોનગઢના મોટા કાકડકુવા, તરસાડી, ચકવાણ, કૂકડાડુંગરી અને બોરકુવા જેવા ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક બિલકુલ મળતું નથી જેથી ઓનલાઇન સુવિધા કે શિક્ષણથી આ વિસ્તારના લોકો અને વિદ્યાર્થીઓ વંચિત રહી જતા હોય છે.

આ ઉપરાંત ગ્રામ પંચાયત ઓફિસેથી મળતા દસ્તાવેજો અને દાખલા પણ નેટવર્કના અભાવે મળી શકતા ન હોવાથી લોકોએ તાલુકા મથક સુધી લાબું થવું પડતું હોય સમય અને નાણાં નો બગાડ થઈ રહ્યો છે.આ અંગે વહીવટી તંત્ર દ્વારા ખાનગી કંપની સાથે મળી દક્ષિણ સોનગઢ તાલુકામાં મોટા કાકડકૂવા ગામે મોબાઈલ ટાવર શરૂ કરાવવાના પ્રયાસ કરવામાં આવે તો લોકોની સમસ્યા નું નિરાકરણ આવી શકે તેમ છે. આ સંદર્ભે ટૂંક સમયમાં ગ્રામજનો ને મોબાઈલ ટાવરની સુવિધા ન મળે તો આંદોલનનો માર્ગ અખત્યાર કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળ્યું છે.

ચાર ગામના લોકો નેટવર્ક માટે ઝઝૂમે છે
દક્ષિણ સોનગઢ તાલુકાના મોટા કાકડકૂવા ગામની જનસંખ્યા અંદાજિત 1000 જેટલી છે.એ જ રીતે કુકડાડુંગરી ગામની જનસંખ્યા 900 છે જ્યારે ચકવાણ ગામની જનસંખ્યા 950 અને તરસાડી ગામની વસતિ 2600 જેટલી છે.આમ આ ચાર ગામની કુલ જનસંખ્યા 5450 જેટલી થાય છે.આ ચાર ગામ મોબાઈલ નેટવર્કની સમસ્યા બાબતે ઝઝૂમી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...