તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:કપડબંધમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા મારી હત્યા કરી હતી

સોનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રેમિકાને પામવામાં તેનો પતિ અડચણ રૂપ બનતો હોય આરોપીએ યુવકની હત્યા કરી નાંખી

સોનગઢ તાલુકાના કપડબંધ ગામે ગત ગુરુવારે ચેકડેમમાં માછીમારી કરવા ગયેલા યુવકની કોઈક અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હોવાનો બનાવ નોંધાયો છે. આ બનાવમાં મરણ જનાર યુવકની પત્ની સાથે સંબંધ ધરાવતા ગામના જ એક યુવકે પ્રેમિકાને પામવામાં આડખીલી રૂપ બનેલા મહિલાના પતિની કુહાડી ના ધા મારી હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું.

મૂળ સોનગઢ તાલુકાના ઘુટવેલ ગામના રહેવાસી એવા મહેશભાઈ ડુળીયાભાઈ ગામીત(40) હાલ પોતાની સાસરી એવા કપડબંધ ગામે પત્ની અને બાળકો સાથે રહેતા હતા. મહેશભાઈ ગત બુધવારે રાત્રિના આઠ વાગ્યાના અરસામાં જમી લીધા બાદ દરવાજે તાળું મારી જાળ લઈ ગામની સીમમાં આવેલા દેવધા ચેકડેમ તરફ માછલી પકડવા ગયા હતા અને બાદમાં બીજે દિવસે સવારે નદી કિનારેથી એમની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી.

કોઈક અજાણ્યા ઇસમે મહેશભાઈના શરીરે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેનું મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો. સોનગઢ પોલીસે આ અંગે તપાસ કરતાં બાતમી મળી હતી કે ગામમાં જ રહેતા કાંતિભાઈ ગામીત નામના યુવકના મહેશભાઈની પત્ની રંજીતા બહેન સાથે આડા સંબંધ હતા અને એ ઝનૂની સ્વભાવનો હોવાનું પણ બહાર આવ્યું હતું એની ગામમાં તપાસ કરતા મળી આવ્યો ન હતો. વધુ તપાસ દરમિયાન પોલીસે સોમવારે આરોપી કાંતિ ગામીતને ઝડપી લીધો હતો અને એની કડક પૂછપરછ કરવામાં આવતા એ ભાંગી પડ્યો હતો અને એણે મહેશની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. પોલીસે આરોપી કાંતિ ગામીતની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

પત્નીની સીધી રીતે કોઈ સંડોવણી હજી સુધી બહાર આવી નથી
મહેશભાઈની હત્યા કરવાના કારણો બાબતે આરોપીની પૂછપરછ કરવામાં આવતા તેણે મરણ જનારની પત્ની રંજીતા સાથે સંબંધ હોવાની વાત સ્વીકારી હતી. એણે રંજીતાને પામવી હતી અને એમાં તેનો પતિ આડખીલી રૂપ બનતો હતો, જેથી બુધવારે રાત્રીના સમયે મહેશ માછીમારી કરવા ચેકડેમ પર ગયો હતો ત્યારે એકલતાનો લાભ લઈ એના પર આરોપીએ કુહાડીના ઘા મારી પતાવી દીધો હતો અને નાસી ગયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે આ હત્યાનાં બનાવમાં મહેશ ગામીતની પત્નીની સીધી રીતે કોઈ સંડોવણી હજી સુધી બહાર આવી નથી.

અન્ય સમાચારો પણ છે...