અકસ્માત:2 બાઇક સામસામે ભટકાતાં ફંગોળાયેલા યુવકનું મોત

સોનગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટોકરવાના યુવકને ચાંપાવાડી પાસે અકસ્માત

ચાંપાવાડી પાસે બે બાઇક સામસામે અથડાતાં 1 બાઇકચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને હોસ્પિટલ ખસેડાયો હતો. સોનગઢ તાલુકાના ટોકરવા ગામે ઘાટ ફળિયામાં રહેતા રાકેશભાઈ રંગાભાઇ ગામીત (24) ગત સોમવારે સાંજના 5.15 કલાકના અરસામાં પોતાની બાઈક નંબર (GJ-26-AA-7498) પર આહવા હાઇવે પર આવેલા ચાંપાવાડી ગામની સીમમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક બાઇક ચાલકે પોતાનું બાઈક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાકેશભાઈની બાઇકને સામેથી અથડાવી દેતા તેઓ રોડ પર ફેંકાઈ ગયા હતા અને માથામાં અને શરીરે ગંભીર ઇજા પામ્યા હતા, જ્યારે અકસ્માત સર્જનાર બાઇક ચાલકને પણ ઇજા થઇ હતી.

આ અકસ્માતના બનાવ અંગે 108 વાનને જાણ કરવામાં આવી હતી અને સ્ટાફ દ્વારા ગંભીર ઇજા પામેલા રાકેશભાઈને તપાસી મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત એવાં અકસ્માત સર્જનાર બાઈક ચાલકને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ટીવીએસ અપાચે બાઇક નંબર (GJ-26-R-5039)ના ચાલક સામે પૂરઝડપે બાઈક હંકારી અકસ્માત કરવા બદલ રંગાભાઇ ગામિતે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.