તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘો રૂઠતાં ખેડૂતો ફસાયા:તાપી જિલ્લામાં હજી સુધી માત્ર 9 % વરસાદ, જેથી ખરીફ પાકનું વાવેતર પણ 23 % જ થયું

સોનગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢ તાલુકાના રૂપવાડા ગામ નજીકથી પસાર થતી મીંઢોળા નદી સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ભારે વરસાદી વહેણ સાથે બે કાંઠે વહેતી હોય છે. પરંતુ આ વર્ષે તદ્દન ખાલી સ્થિતિમાં જોવા મળી રહી છે. - Divya Bhaskar
સોનગઢ તાલુકાના રૂપવાડા ગામ નજીકથી પસાર થતી મીંઢોળા નદી સામાન્ય રીતે ચોમાસાના સમયમાં ભારે વરસાદી વહેણ સાથે બે કાંઠે વહેતી હોય છે. પરંતુ આ વર્ષે તદ્દન ખાલી સ્થિતિમાં જોવા મળી રહી છે.
  • ટૂંક સમયમાં વરસાદ ન પડે તો ડાંગરના ધરૂવાડિયા સુકાઈ જવાનો ભય
  • 2020માં અત્યાર સુધીમાં 201 mm વરસાદ હતો જ્યારે હાલ માત્ર 122 mm વરસાદ પડ્યો છે

તાપી જિલ્લામાં જૂન માસમાં નોંધાયેલા વરસાદના પગલે ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગરના ધરૂવાડિયા સહિત ખરીફ ઋતુના ખેતી પાકોનું વાવેતર હાથ ધર્યું હતું. જેમાં નવમી જુલાઈ સુધીમાં જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ 1,15,530 હેકટર ખેતી લાયક જમીન માંથી 27811 હેકટર જમીનમાં વાવણી કરી દેવામાં આવી છે.જોકે બીજી તરફ જિલ્લામાં છેલ્લા પંદર વીસ દિવસથી વરસાદે વિરામ લેતા કૃષિ સિઝન પર પ્રતિકૂળ અસર થવાની સંભાવના છે.

જિલ્લામાં ખેડૂતો ખાસ કરી ને ડાંગર,જુવાર, સોયાબીન,તુવેર અને શાકભાજી જેવા ખેતી પાક લેતા આવ્યા છે પરંતુ વરસાદ ના અભાવે આ ખેતીપાકો ની વાવણીમાં વિલંબ સર્જાવા સહિત અગાઉ વાવેતર કરાયેલા કેટલાક ખરીફપાકો પૂરતા વરસાદી પાણીના અભાવે મુરઝાઇ કે સુકાઈ જવાની ભીતિએ ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે.તાપી જિલ્લામાં ડાંગરનો પાક ખાસ કરીને સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં લેવામાં આવે છે જયારે નિઝર અને કુકરમુંડા તાલુકામાં જુવાર,કપાસ,સોયાબીનનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવતો હોય છે.

જૂન માસ દરમિયાન જિલ્લામાં નોંધાયેલા સરેરાશ પાંચ ઈંચ વરસાદ ના પગલે ખેડૂતોએ ખરીફ પાકની તૈયારી શરૂ કરી દીધી હતી.ખાસ કરીને ડાંગરના પાક લેતા ખેડૂતો એ પોતાના ખેતરમાં ડાંગરના ધરૂવાડિયા તૈયાર કરી દીધા હતા.જો કે સમયસર વરસાદ નહીં નોંધાતા આવા ધરૂવાડિયા સુકાઈ જવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી અને જે ખેડૂતો પાસે પાણીની સગવડ છે એઓ ડાંગરના ધરૂવાડિયા બચાવવા માટે મહેનત કરી રહ્યા છે.

વરસાદના અભાવે જિલ્લામાં 1.15 લાખ હેકટર વિસ્તારમાંથી માત્ર 27811 વિસ્તારમાં વાવેતર
હાલ જુલાઈ માસનું બીજું સપ્તાહ ચાલતું હોવા છતાં તાપી જિલ્લામાં હજી વાવણીલાયક વરસાદ થયો નથી.તાપી જિલ્લા ખેતીવાડી વિભાગ પાસે મળેલ વિગત પ્રમાણે જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ નો સરેરાશ વાવેતર વિસ્તાર 1,15,530 હેકટર જેટલો ગણાય છે.એના પ્રમાણમાં 9 જુલાઈ સુધીમાં માત્ર 27811 હેકટર જમીનમાં જ જુદાજુદા ખેતી પાકોનું વાવેતર કરી શકાયું છે જે સરેરાશ વાવેતર વિસ્તારના માત્ર 23 % જ ગણાય છે.

જિલ્લામાં વરસાદ ખેંચાતાં ખેતી વાવણી અટકી વરસાદ પડ્યા બાદ સ્થિતિ સુધરવાની શક્યતા
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે જિલ્લામાં હાલ વરસાદ ખેંચાતાં ખેતી પાકનું રોપાણ હાલ અટકી ગયું છે અને પૂરતા વરસાદના અભાવે પિયતમાં મુશ્કેલી આવી રહી છે.જો કે હવામાન વિભાગે આગામી ટૂંકાગાળામાં તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી હોય સ્થિતિ સુધરવાની ચોક્કસ સંભાવના છે.હાલમાં ડાંગર રોપવા માટે ધરું તૈયાર કરી દેવાયા છે. > એસ બી ગામિત, ખેતીવાડી અધિકારી, તાપી

ઉકાઈ અને ડોસવાડા ડેમમાં હાલ માત્ર 2237 mcm પાણી બચ્યું, જે ડેમની કુલ ક્ષમતાનું માત્ર 33 ટકા
તાપી જિલ્લામાં સરદાર સરોવર પછીના બીજા ક્રમનો રાજ્યનો સહુ થી મોટો તાપી નદી પર નો ઉકાઈ ડેમ આવેલો છે જ્યારે મીંઢોળા નદી પર ડોસવાડા ડેમ બનાવવામાં આવ્યો છે.આ બંને ડેમમાં થઇ કુલ 6733 mcm પાણીનો જીવંત જથ્થો સંગ્રહ કરી શકાય છે અને એના પ્રમાણમાં રવિવારે બંને ડેમમાં થઈ માત્ર 2237 mcm જેટલું જ પાણી હાલ ઉપલબ્ધ છે જે કુલ ક્ષમતાના લગભગ 33 % જેટલું ગણાય છે.

દર વર્ષે જુલાઇમાં બે કાંઠે વહેતી મીંઢોળા નદી આ વર્ષે વરસાદ ખેંચાતા સાવ ખાલીખમ પડી છે
તાપી જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષનો સરેરાશ વરસાદ 1364 mm જેટલો ગણાય છે એના પ્રમાણમાં દસ જુલાઈ સુધીમાં માત્ર 122 mm જેટલો જ વરસાદ નોંધાતા હજી સુધીમાં માત્ર 8.91 % જેટલો જ વરસાદ થયો છે જે ગત વર્ષની સરખામણીમાં ઘણો ઓછો છે.વર્ષ 2020 માં દસ જુલાઈ સુધીમાં જિલ્લામાં કુલ 209 mm વરસાદ થઇ ચુકયો હતો જે આ વર્ષ કરતા ઘણો વધારે છે.જિલ્લામાં પડેલા વરસાદના આંકડા પર નજર નાખીએ તો ડોલવણ તાલુકામાં સહુ થી વધુ 235 mm વરસાદ થયો છે જ્યારે ઉચ્છલ તાલુકામાં માત્ર 32 mm જેટલો જ વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...