સોનગઢ ખાતે આવેલ ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્ર રાજ્યને જોડતી એક્સપ્રેસ ટ્રેનના તાકીદે સ્ટોપેજ આપવામાં આવે તેવી રજૂઆત શ્રી શિવાજી યુવક મંડળ અને છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના સભ્યો દ્વારા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અને રેલવે બોર્ડના PAC કમિટીના સભ્યો સમક્ષ કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે સોનગઢમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન લોકો નિવાસ કરે છે એ સાથે જ નજીક પેપર મિલમાં અને થર્મલ પાવર સ્ટેશનમાં પણ મોટી સંખ્યામાં લોકો કામ ધંધાઓ અર્થે રોકાયા છે અને તેઓ પેપર મીલ કોલોની અને જીઇબી કોલોનીમાં વસવાટ કરે છે.
સોનગઢ અને તેની આસપાસના ગામોમાં રહેતા મહારાષ્ટ્રીયન લોકો સામાજિક અને વ્યવહારિક કામ અર્થે વતન જાય છે. હાલમાં ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશને માત્ર ભુસાવલ પેસેન્જર અને નંદુરબાર લોકલ ટ્રેનના જ સ્ટોપેજ છે, જેમાં મુસાફરોના સમયનો બગાડ થાય છે અને એ ટ્રેનના સમય અનુકૂળ નથી. મહારાષ્ટ્રીયનોને વતનમાં જવા માટે માત્ર સહારો એસ ટીનો જ રહે છે જેનું મોંઘુ ભાડું કોરોનામાં સામાન્ય માણસની કમર તોડી નાખે એટલું હોય છે.
રેલવે તંત્ર દ્વારા હાલમાં સુરત ઉધનાથી ભુસાવલ રૂટ પર હાલમાં અમરાવતી અને ખાનદેશ એક્સપ્રેસ સહિતની અન્ય ટ્રેન દોડાવાય રહી છે અને આ એક્સપ્રેસ ટ્રેનને મહારાષ્ટ્રમાં નાના સ્ટેશને સ્ટોપેજ છે, જ્યારે સોનગઢ પંથકમાં જ્યાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન લોકો વસવાટ કરે છે એવા ઉકાઈ-સોનગઢ સ્ટેશને સ્ટોપેજ નથી.સોનગઢથી મુંબઈ જવા હાલમાં એક પણ સીધી ટ્રેન નથી, જેથી લોકોએ ફરજિયાત સુરત સુધી લાંબા થયા બાદ ત્યાંથી ટ્રેન પકડવી પડે છે.
મહારાષ્ટ્ર તરફ જવા નવાપુર-નંદુરબાર અથવા વ્યારા સ્ટેશને દોડવું પડતું હોય છે. ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશન હાલમાં અમરાવતી એક્સપ્રેસ અને ખાનદેશ એક્સપ્રેસના સ્ટોપેજ આપવામાં આવે અને ભવિષ્યમાં હાવરા-નવજીવન એક્સપ્રેસ સ્ટોપેજ માટે પણ વિચારણા કરવામાં આવે તથા ઉકાઈ-સોનગઢ રેલવે સ્ટેશને ખૂટતી સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ પણ પ્રતિનિધિ મંડળે રેલવે બોર્ડના સભ્યો સમક્ષ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.