તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સોનગઢના થુટી દેવલપાડા ગામે તાપી જળાશયમાં ડૂબી જતાં વિદ્યાર્થીનું મોત

સોનગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • છ મિત્રો બાઈક લઈ સોનગઢ થી થુટી ગામે તાપીમાં નહાવા ગયા હતા

સોનગઢ નગરમાં રહેતો અને બારડોલીની માલિબા હાઇસ્કૂલમાં ભણતો વિદ્યાર્થી પોતાના મિત્રો સાથે ઉચ્છલ તાલુકાના થુટી ગામે આવેલા તાપી નદીના જળાશયમાં નહાવા ગયો હતો ત્યાં અક્સ્માતે ડૂબી જતાં મરણ પામ્યો હોવાનો બનાવ નોંધાયો હતો. સોનગઢના અવતાર રેસિડેન્સીમાં રહેતા વિજયભાઈ ગણપતભાઈ શેલકે વેપાર કરતા આવ્યા છે. મંગળવારે બપોરે તેમનો પુત્ર ક્રિશ વિજયભાઈ શેલકે (16) અને અન્ય પાંચ મિત્રો બાઈક લઈ ઉચ્છલ તાલુકાના થુટી દેવલપાડા ગામે આવેલા ઉકાઈ જળાશયમાં નહાવા માટે ગયા હતા.

બપોરના સમયે આ મિત્રો જળાશયના પાણીમાં નહાવાનો આનંદ માણી રહ્યાં હતાં ત્યારે ક્રિશ શેલકેનો અક્સ્માતે પગ લપસી જતાં એ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. એની સાથે ગયેલ મિત્રોએ એને બચાવવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ એ સફળ થયા ન હતા. આ બનાવની જાણકારી મળતા આસપાસના ખેતરમાં કામ કરતા લોકો પણ દોડી આવ્યા હતા અને ક્રિશની પાણીમાં શોધખોળ કરી હતી પરંતુ એ મળ્યો ન હતો. આખરે દોઢ કલાકની મહેનત બાદ તાપી નદીના જળાશયના પાણીમાંથી ક્રિશની લાશ જ બહાર આવી હતી.

આ અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો લઈ સોનગઢ ખાતે આવેલ સરકારી દવાખાને પીએમ કરવા અર્થે ખસેડી હતી. મોડી રાત્રિએ ઉચ્છલ પોલીસે તાપીના પાણીમાં ડૂબીને મરણ પામનારા ક્રિશ શેલકેના પિતા વિજય શેલકેની ફરિયાદ લઈ પોલીસ મથકે અકસ્માત મોત સંદર્ભે નોંધ કરી હતી. આ બનાવમાં મરણ પામનાર ક્રિશ શેલકે ભણવામાં તેજસ્વી વિદ્યાર્થી હતો એના અવસાનના કારણે મિત્ર વર્તુળ અને ગામમાં શોકની લહેર ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...