તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઉકાઈ રોડ પર યુવકના કપડા ઉતરાવી ચપ્પુ બતાવી મારમારી મોપેડ સહિત 65 હજારની લૂંટ

સોનગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દી, ગુજરાતી ભાષા બોલતા ત્રણ લૂંટારાઓ અંધારાનો લાભ લઇ મોપેડ સાથે નાસી ગયા

સોનગઢ ઉકાઈ રોડ પર આવેલા વાકવેલ ફળિયા નજીકથી પસાર થતાં એક મોપેડ ચાલકને ઉકાઈ તરફથી બાઈક લઈ આવેલા ત્રણ ઈસમોએ અટકાવી એના ગળા પર ચપ્પું મૂકી દીધું હતું. લૂંટારાઓએ તારી પાસે જે કઈ હોય તે આપી દે એમ કહી ફરિયાદીના ખિસ્સામાં રહેલા રોકડા 10,000 અને અન્ય મળી કુલ 65,000ની મત્તા લઈ નાસી ગયા હતા. ગુણસદા ગામે મંદિર ફળિયામાં રહેતા ગૌતમભાઈ ગામીત ખેતી કરી ગુજરાન ચલાવે છે. એમણે પોતાના વપરાશ માટે ગત વર્ષે મોપેડ નંબર GJ-26-AA-0152 ખરીદી હતી. મોપેડ લઈ રેવાભાઈ મિત્ર સાથે સોમવારે સાંજે કામ અર્થે સોનગઢ આવ્યા હતા.

કામ પતાવ્યા બાદ બ્રિજ પાસે ચાની દુકાને ચા પીધા બાદ બંને મિત્રો છુટા પડ્યા હતા. રાત્રિના ગૌતમભાઈ પરત ગુણસદા ગામે જવા નીકળ્યા હતા. એઓ વાંકવેલ ટેકરા પાસે આવેલ ગૌશાળા પાસેથી પસાર થતા હતા ત્યારે ઉકાઈ તરફથી બાઈક પર આવેલા ત્રણ ઈસમોએ પોતાની બાઈક મોપેડ સાથે અથડાવાની કોશિષ કરી હતી. આ બાબતે એમની બોલાચાલી થતાં બાઈક પર સવાર ત્રણ પૈકીનો એક ઈસમ નીચે આવી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગૌતમભાઈના ગળે ટેકવી દીધું હતું અને કહ્યું હતું કે તારી પાસે જે કઈ હોય તે આપી દે નહિ તો મારી નાખશું.

આ જ સમયે બાઈક પરથી ઉતરીને આવેલ બીજો ઈસમે પણ પોતાના હાથમાં રહેલ ચપ્પુ ફરિયાદીના પેટ પર મૂકી મારમારી તેના પેન્ટના ખિસ્સામાં રહેલાં રોકડા 10,000 અને અન્ય મળી કુલ 65,000ની મત્તા લૂંટી લીધા બાદ સોનગઢ તરફ નાસી ગયા હતા. આ લૂંટના બનાવ સંદર્ભે સોનગઢ પોલીસ મથકે લૂંટ સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

લૂંટારુઓ ફરિયાદીના કપડાં પણ લૂંટી ગયા
વાંકવેલ ગામ પાસે મોપેડ ચાલકને લૂંટી નાસી ગયેલા ત્રણ લૂંટારુઓ ફરિયાદીના પહેરેલા કપડાંની પણ લૂંટ ચલાવી નાસી ગયા હતા. ગૌતમભાઈને માર મારી રસ્તાના કિનારે ફેંકી દીધા બાદ ગૌતમભાઈ બહાર આવ્યા હતા અને સામેની સાઈડ આવેલા ઈંટના ભટ્ટા પર મજૂરી કરતા લોકોને પોતાની આપવીતી વર્ણવી કપડાં માંગ્યા હતા. મજૂરો પાસેથી કપડાં મળ્યા બાદ એઓ ફરિયાદ આપવા સોનગઢ પોલીસ મથકે પહોંચ્યા હતા.

રોકડા, મોબાઈલ અને મોપેડ પણ લઈ ગયા
આ બનાવમાં ગૌતમભાઈના ખિસ્સામાં ગાડીના હપ્તો ભરવાના રોકડા દસ હજાર હતા અને 15,000ની કિંમતનો મોબાઈલ તથા મોપેડ કિંમત 40,000 મળી કુલ 65,000ની મત્તાની લૂંટ થઈ હોવાનું નોંધાયું હતું. ફરિયાદીના પર્સમાં રહેલ આધારકાર્ડ, વોટિંગકાર્ડ, એટીએમ કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ જેવા અગત્યના દસ્તાવેજો પણ લૂંટારુઓ લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...