માંગણી:કોટવાળીયા સમાજના આગેવાનોની વિવિધ પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોજગારી મેળવવા માટે સરકારી રાહે વાંસ ફાળવવામાં આવે તેવી માંગણી

સોનગઢ તાલુકામાં વસવાટ કરતા આદિમ જૂથના કોટવાળીયા સમાજના સભ્યો અને આગેવાનો પોતાના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે તાપી જિલ્લા કલેકટરને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિમ જૂથના ગણાતા કોટવાળિયા અને કાથુડ સમાજના લોકો વસવાટ કરે છે અને તેઓ વાંસની બનાવટ જેવા કે પાલા,ટોપલા અને અન્ય ચીજવસ્તુઓ બનાવી જીવન ગુજરાન ચલાવતા આવ્યા છે.

અગાઉના વખતમાં સરકાર દ્વારા તેમના જીવન ગુજરાન ચલાવવા માટે જંગલ ની ઉપજ ગણાતા વાંસ ફાળવવામાં આવતા હતા અને તેઓ તેમાંથી ટોપલા વગેરે બનાવતા હતા.જો કે છેલ્લા ઘણા સમયથી આ પ્રથા બંધ કરી દેવામાં આવતા કોટવાળિયા ભાઈ-બહેનો હાલ જંગલ માંથી વાંસ મેળવી કામ ચલાવતા આવ્યા છે.જો કે આ બાબતે વન વિભાગના કર્મચારીઓ અને તેમની વચ્ચે અવારનવાર ઘર્ષણ થવાના બનાવો નોંધાઈ રહ્યા છે.ગત 13 મી સપ્ટેમ્બરે પણ ઉકાઈ નજીક આવેલા પાથરડા ગામના કોટવાળિયા સમાજના સભ્યો અને કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થઇ હતી.

આ બાબતે સમાજના આગેવાનો દ્વારા તાપી કલેકટર ને મળી વાંસ ફાળવણી સહિત ના પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી.તેમના જણાવ્યા પ્રમાણે વાંસની બનાવટ તૈયાર કરી જીવન ગુજરાન ચલાવતા પરિવારોને સરકારી રાહે વાંસ ફાળવવામાં આવે અને 13 મી થયેલા ઘર્ષણ ના બનાવની તપાસ કરવામાં આવે અને જવાબદાર કર્મચારીઓ સામે પગલાં ભરવામાં આવે. વન વિભાગ દ્વારા ભૂતકાળમાં કોટવાળિયા પરિવારો માટે પશુપાલન,આવાસ યોજના,રોજગારી માટે 100 વાંસ ફાળવવા વગેરે યોજના ચલાવવામાં આવતી હતી જે હાલમાં બંધ છે એ ફરી થી શરુ કરવામાં આવે એ જરૂરી છે.

વન ઉપજમાંથી મળતી ગૌણ પેદાશો જેવી કે વાંસ,ટીમરૂ પાન, ગુંદર, ફળ-ફૂલ ના ઉપયોગનો અધિકાર હોય એ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સરકાર દ્વારા આદિમ જૂથના લોકો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટ ના નાણાં છેવાડા ના લોકો સુધી પહોંચાડવાની માંગણી પણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...