માંગણી:સોનગઢ સીએચસીમાં દર્દીને પૂરતી સારવાર મળતી નથી, હવે સુધારો ન થાય તો આંદોલન

સોનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી મોટા તાલુકામાં આરોગ્ય ક્ષેત્રે ઓછી સગવડ હોવાની વાત સાથે કલેક્ટરને આવેદન

સોનગઢ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતા બેડની સગવડ નથી કે ડૉક્ટરો ઉપલબ્ધ ન હોય દર્દીઓને પૂરતી સારવાર મળતી નથી. આ સંદર્ભે અવારનવાર રજૂઆતો કરી હોવા છતાં સરકાર દ્વારા ધ્યાન આપવામાં નથી આવ્યું. આ સંદર્ભે ફરી તાપી કલેકટરને રજૂઆત થઈ છે.સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુભભાઈ ગામીત અને અન્યો દ્વારા બુધવારે તાપી કલેકટરને તાલુકા મથકે આરોગ્યલક્ષી ઓછી સગવડ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. એમાં જણાવ્યા પ્રમાણે સોનગઢ તાલુકો વિસ્તાર અને વસતીની દ્રષ્ટિએ રાજ્યમાં સહુથી મોટો છે.

તાલુકામાં 175 ગામ સમાવિષ્ટ છે અને 105 ચો. કિ.મી.નો વિસ્તાર ધરાવે છે. તાલુકામાં 90 % કરતા વધુ આદિવાસી સમાજ વસવાટ કરે છે. તાલુકામાં આરોગ્યલક્ષી સેવાઓ ઓછીં મળે છે. તાલુકા મથક ખાતે એકમાત્ર સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને એમાં 50 બેડની વ્યવસ્થા છે, જ્યારે જરૂરિયાત પ્રમાણેના ડૉક્ટરો અને આરોગ્ય સ્ટાફ ઉપલબ્ધ નથી. આવા સંજોગોમાં સોનગઢનું આરોગ્ય કેન્દ્ર માત્ર શોભાના ગાઠીયા રૂપ છે. અહીં ગંભીર દર્દીઓને પણ માત્ર પાટા પિંડી કરી વ્યારા રીફર કરી દેવાય છે. કેન્દ્રમાં પૂરતા પ્રમાણમાં ફીઝીશયન સહિતના ડોકટરની જગ્યા ખાલી છે.

મહામારીના સમયમાં પણ સોનગઢ ખાતે એમડી સહિતના ડૉક્ટરની વ્યવસ્થા તંત્રએ કરી ન હતી, જેથી લોકો કોરોના સંદર્ભે ઉત્તમ સારવાર મેળવી શક્યા ન હતા. સોનગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રને અપગ્રેડ કરી જરૂરી સુવિધાઓ આપવા બાબતે ભૂતકાળમાં રજૂઆતો થઈ ચૂકી છે. આમ છતાં આદિવાસી ઉદ્ધારની વાત કરતી સરકાર સોનગઢ ખાતે સુવિધા યુક્ત હોસ્પિટલ આપવા અખાડા કરી રહી છે. સોનગઢ ખાતે સુવિધા સાથેની હોસ્પિટલ શરૂ કરવા બાબતે સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેરાત કરવામાં ન આવે તો 1 જુલાઈથી સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ પત્રમાં આપી છે.

અન્ય સમાચારો પણ છે...