તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટોલ મુક્તિ આપો:ટોલ ફી મુદ્દે માંડળ ટોલનાકે બીજેપી-સ્થાનિક આદિવાસીઓનું ચક્કાજામ

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોનગઢના માંડળ ટોલનાકે બીજેપી દ્વારા ટોલ મુક્તિની બાબતે ચક્કાજામ કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
સોનગઢના માંડળ ટોલનાકે બીજેપી દ્વારા ટોલ મુક્તિની બાબતે ચક્કાજામ કરવામાં આવ્યા હતા.
  • તાપી જિલ્લાના તમામ વાહનોને માંડળ ટોલનાકે ટોલ ફી મુક્તિ આપવાની માંગ ફરી દોહરાવવામાં આવી

સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકે સ્થાનિક વાહનચાલકો પાસે પણ ભારે ભરખમ ટોલ ફી અને માસિક પાસની રકમ ઉઘરાવવામાં આવતી હોય બુધવારે બીજેપી આગેવાનો અને આદિવાસી સંગઠનના નેતાઓ દ્વારા જિલ્લાના વાહનોને ટોલ ફીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકાના સંચાલકો સ્થાનિક આદિવાસી વિસ્તારમાં પોતાની મનમાની પ્રમાણે કારભાર કરવા પંકાયેલાં છે. ગત સમયમાં સાસંદ પ્રભુભાઈ વસાવાની આગેવાનીમાં થયેલી મિટિંગ વખતે ટોલનાકા સંચાલકોએ તાપી જિલ્લાના તમામ વાહનોને ટોલ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે એવું લેખિતમાં આપ્યું હતું. જો કે આ લેખિત પત્રની વાત પણ સંચાલકો ધોળીને પી ગયા છે અને સ્થાનિક ખાનગી કાર જેવા વાહનચાલકો પાસે પણ માસિક પાસ પેટે રકમ ઉઘરાવવામાં માંડી છે. એ સાથે જ નિઝર ઉચ્છલ જેવા આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોએ પણ ભારે ભરખમ ટોલ ફી ભરવી પડી રહી છે.

જોકે હવે રહી રહીને લોકોમાં ટોલ ફી બાબતે ફેલાયેલો અસંતોષ નિહાળી બીજેપી નેતાઓ પણ બહાર આવ્યા છે. બુધવારે તાપી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરની હાજરીમાં બીજેપી પ્રમુખ જયરામભાઈ ગામીત, મહામંત્રી વિક્રમભાઈ તરસાડીયા, એડવોકેટ નીતિનભાઈ પ્રધાન, આદિવાસી એકતા સંઘઠનના પ્રજ્ઞેશ ગામીત, સામાજિક કાર્યકર જિમ્મીભાઈ પટેલ, તાલુકા પંચાયત યુસુભભાઈ ગામીત વગેરે આગેવાનો અને સોમા આઇસોલેક્સ કંપનીના અધિકારીઓ વચ્ચે ટોલ ફી મુક્તિ બાબતે ચર્ચા થઈ હતી અને ટોલ મુક્તિ બાબતે નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

જો કે મિટિંગમાંથી બહાર આવ્યા બાદ માંડળ ટોલનાકે સ્થાનિક વાહનો પાસેથી ટોલ ફી વસૂલવાનો સિલસિલો યથાવત જોવા મળતા આગેવાનો અને કાર્યકર્તાઓ વિફર્યા હતા અને થોડો સમય માટે ટોલનાકે અવરજવર અટકાવી દેવામાં આવી હતી. આ સમગ્ર બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે અને સ્થાનિક તાપી જિલ્લાના તમામ વાહનોને માંડળ ટોલનાકે ટોલ ફીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંચાલકોએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો
સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફીમાંથી મુક્તિ આપવા ભૂતકાળમાં થયેલા આંદોલન વખતે ટોલનાકા મેનેજર ઉપેન્દ્ર ચૌહાણ દ્વારા સ્થાનિક વાહનચાલકોને કાયમી ધોરણે ટોલ મુક્તિ આપવાની બાબત લેખિતમાં આપવામાં આવી હતી. એ પછી હાલ ટોલનાકા સંચાલકો તેમની લેખિત ખાતરીની વાતમાંથી ફરી ગયા છે અને તાપી જિલ્લાના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. આગામી દિવસોમાં ટોલનાકા સંચાલકો સામે લોકોએ વિશ્વાસઘાત કરવા બાબતે ફરિયાદ નોંધાવી જોઈએ. > એડવોકેટ નીતિનભાઈ પ્રધાન, પ્રમુખ,બાર એસોસિએશન

ટોલનાકા સંચાલકો લોકોને ઉલ્લુ બનાવે છે
આજે સવારે અગિયાર કલાકે અધિકારીઓની હાજરીમાં બુધવારથી જ સ્થાનિક વાહન ચાલકોને ટોલ ફીમાંથી મુક્તિ આપવામાં આવશે એવું સોમાના અધિકારીઓએ ખાતરી આપી હતી.પરંતુ બાદમાં ફરી ગયા છે અને એઓ લોકોને ઉલ્લુ બનાવી ફરીથી ટોલ ફી વસૂલ કરી રહ્યા છે, જેથી અમે સ્થાનિક વાહનોને ટોલ ફી ભર્યા વિના જવા દેવા માટે ટોલનાકે આવ્યા છે અને હાલ એ વ્યવસ્થા ચાલુ છે. ભવિષ્યમાં ફરી વખત તાપી જિલ્લાના વાહનચાલકો પાસે ટોલ ફી વસૂલવામાં આવશે તો અમે ટોલનાકા સંચાલકો સામે જલદ આંદોલન કરીશું. > વિક્રમ તરસાડીયા, મહામંત્રી, તાપી જિલ્લા બીજેપી

અન્ય સમાચારો પણ છે...