તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:ઉચ્છલમાં 3.50 લાખની લૂંટના ગુનામાં વેપારી ફરિયાદી જ આરોપી નીકળ્યો

સોનગઢ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાગીદાર સાથે રૂપિયાની લેતી દેતીમાં મનદુઃખ હોય લૂંટનો સ્વાંગ રચ્યો

ઉચ્છલ પોલીસ મથકે ગત એપ્રિલ માસમાં સુરતના કેરીના એક વેપારી પાસેથી પલ્સર બાઈક ચાલકો આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા 3,50,000 સાથેની બેગ લૂંટી ગયા હોવાની ફરિયાદ દાખલ થઇ હતી. આ સંદર્ભે તાપી એલસીબીએ ઊંડાણથી તપાસ કરતા ફરિયાદીએ જ ભાગીદારને રૂપિયા આપવા ન પડે એ માટે ખોટી ફરિયાદ લખાવી હોવાનું બહાર આવ્યું હતું.

ગત એપ્રિલ માસની પંદરમી તારીખે હાલ સુરત શહેરના દિવાળી નગર સોસાયટી વરાછા રોડ ખાતે રહેતા ભેરારામ તગારામ માળી મૂળ રાજસ્થાન કેરીના વેપાર સાથે સંકળાયેલા છે અને ભાગીદારીમાં કેરીની વાડીઓ ભાડે રાખી વેપાર કરે છે. પંદરમી એપ્રિલે એઓ સુરતથી કેરીના વાડીના માલિકને ભાડું ચૂકવવા માટે રોકડા 3,50,000ની રકમ થેલામાં મૂકી બાઈક પર ઉચ્છલ જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર સાકરદા ચાર અજાણ્યા બાઇકચાલકોએ તેમની બાઇકને ટક્કર મારી તેમની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂપિયા સાથેનું પર્સ લૂંટી ગયા હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ નોંધાવી હતી.

શરૂઆતથી જ શંકાસ્પદ લાગતા બનાવ બાબતે પોલીસે તપાસ શરૂ કરી હતી પરંતુ સુરાગ મળ્યો ન હતો. આ અંગે તાપી જિલ્લા પોલીસ વડાએ તાપી એલસીબીને લૂંટ અને અન્ય ગુનાઓ બાબતે તપાસનો આદેશ આપતા એલસીબીએ કથિત લૂંટના બનાવની આગળ તપાસ શરૂ કરી હતી. સદર બનાવ બાબતે એલસીબી પીઆઇ વસૈયા અને સ્ટાફ દ્વારા બાતમીદારોને એક્ટિવ કરી વિગત મેળવવામાં આવી હતી અને ટેક્નિકલ સર્વેલન્સની આધારે મળેલ માહિતીના આધારે ફરિયાદીની ફેર પૂછપરછ કરતા એની વાતો પર શંકા ઉભી થઇ હતી.

બાદમાં પોલીસે આગવી ઢબે ફરિયાદીની પૂછપરછ કરતા લૂંટનો સમગ્ર બનાવ ખોટો હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી ભેરારામ તગારામ જેમની સાથે કેરીના વેપાર અંગે ભાગીદારી કરી હતી તેમની સાથે રૂપિયાની લેતીદેતી બાબતે મનદુઃખ થયું હોવાના કારણે લૂંટ હોવાનો સ્વાંગ રચી રૂપિયા પોતે લઈ લીધેલા અને ઉચ્છલ પોલીસમાં લૂંટની ખોટી ફરિયાદ આપી હતી. ફરિયાદ ખોટી હોવાની હકીકત બહાર આવતા વધુ તપાસ અર્થે ફરિયાદીનો કબ્જો ઉચ્છલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...