વિવાદ:પીપળકુવા ગામે પત્નીના પ્રેમસંબંધ અંગે ખરાઈ કરવા ગયેલા પતિને માર પડ્યો

સોનગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારી પત્ની સાથે પ્રેમ સંબંધ હોય તો મને છુટાછેડા અપાવી દે એમ કહેતા માથું ફોડી નાખ્યું

સોનગઢ તાલુકાના પીપળકુવા ગામે રહેતાં એક ખેડૂત યુવકને પોતાની પત્ની નો અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ છે. એવી શંકા હતી. આ બાબતે એ પુરુષને પૂછવા જતાં આરોપીએ યુવક પર લેઝર લાઈટ વડે હુમલો કરી ફરિયાદીનું માથું ફોડી નાખ્યું હોવાનો બનાવ નોંધાયો હતો. સોનગઢના પીપળકુવા ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતાં પીનોન સામાભાઈ ગામીત ખેતી કરે છે અને પત્ની અને બે દીકરીઓ સાથે રહે છે. પીનોનભાઈને પોતાની પત્નીનો ગામમાં જ રહેતાં ધનસુખભાઈ મોહનભાઈ ગામીત સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી અને આ બાબતે દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા પણ થયા જ કરતાં હતાં.

સોમવારે સાંજે પીનોનભાઈ પોતાના ઢોર બાંધવાના કોઢારમાં ભેંસનું દૂધ દોહવા ગયા હતા. આ સમયે કોઢારની બાજુમાં જ મંડપ સામાનના ગોડાઉનમાં આરોપી ધનસુખ મોહન ગામીત પણ ત્યાં જ હાજર હતો. આ સમયે પીનોનભાઈ આરોપી ધનસુખભાઈ પાસે જઈને કહ્યું કે તારો મારી પત્ની સાથે પ્રેમ સંબંધ હોય તો મને છુટા છેડા અપાવી દે તમારા કારણે મારા ઘરે નાની નાની બાબતે ઝઘડા થાય છે. આટલું સાંભળતા જ ધનસુખ ગામીત એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને કહ્યું કે મારા મંડપનો પ્રોગ્રામ છે અને તું હોશિયારી કેમ મારે છે.

બાદમાં ધનસુખ ગોડાઉનમાં દોડી જઇ લેઝર લાઈટ લઈ આવ્યો હતો અને એના વડે પીનોનભાઈને માથામાં અને કપાળના ભાગે મારતા તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બાદમાં આરોપી પીનોનભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. માથામાં ઇજા પામેલા પીનોનભાઈને સારવાર અર્થે સોનગઢ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઉકાઈ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...