તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રેશનકાર્ડ ધારકોને કુપન અને અનાજ પૂરતા પ્રમાણમાં આપો

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉચ્છલ તાલુકા મામલતદારને રેશનિંગ કાર્ડ અને ફાળવવામાં આવતા જથ્થા બાબતે રજૂઆત કરવામાં આવી હતી. - Divya Bhaskar
ઉચ્છલ તાલુકા મામલતદારને રેશનિંગ કાર્ડ અને ફાળવવામાં આવતા જથ્થા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
  • ઉચ્છલ તાલુકા મામલતદારને રજૂઆત કરવામાં આવી
  • કાર્યવાહી ન કરવામાં આવે તો કચેરીનો ઘેરાવ કરી આંદોલન

ઉચ્છલ તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં જોડાયેલા રૅશનકાર્ડ ધારકોને નિ:શુલ્ક કુપન આપવામાં આવે અને મળવાપાત્ર અનાજ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તે બાબતે સ્થાનિક સામાજિક કાર્યકરો મનીષ પ્રકાશભાઈ વસાવા અને ભૂપેન્દ્ર પરશુ વસાવા દ્વારા ઉચ્છલ મામલતદારને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે ઉચ્છલ તાલુકામાં ચાલતી તમામ સસ્તા અનાજની (રેશનીંગની) દુકાનોમાં રૅશનકાર્ડ ધારકો પાસેથી કમ્પ્યુટર માંથી નીકળતી કૂપન ના 10 રૂપિયા લેખે ફી વસુલવામાં આવે છે જે સરકારના નિયમ પ્રમાણે વિનામૂલ્યે આપવામાં આવે છે. આમ સરકારી નીતિ અને નિયમોને તાક પર મૂકી સસ્તા અનાજના દુકાન ધારકો સામાન્ય ગ્રાહકોને ખોટી રીતે કુપન ફી ના નામે ખંખેરી રહ્યા છે. એ સાથે જ કમ્પ્યુટર દ્વારા તૈયાર કરવામાં આવતી કૂપનમાં દર્શાવેલા જથ્થા મુજબનો જથ્થો તથા વ્યક્તિ દીઠ મળવા પાત્ર અનાજનો જથ્થો પણ રૅશનકાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં આપવામાં આવતો ન હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની ગાઇડ લાઇન પ્રમાણે રજાના દિવસો સિવાય દુકાનો ફરજિયાત ખુલ્લી રાખવાની હોય છે આમ છતાં કેટલાક દુકાનદારો મહિનામાં માત્ર બે થી ત્રણ દિવસ જ દુકાનો ખોલી અનાજ વિતરણ કરતા હોય છે. આવા સમયમાં કેટલાક લોકો મજૂરી એ ગયા હોય અથવા અન્ય કોઈ કામકાજ માં રોકાયેલા હોય તેઓ પોતાનું કાયદેસર નીકળતું અનાજ મેળવવાથી વંચિત રહી જાય છે. ઘણી વાર દુકાનદારો સમયસર અનાજ વિતરણ કરતા નથી અને અંતે સ્ટોક પૂરો થઇ ગયો છે એવો જવાબ આપી પોતાની જવાબદારી માંથી છટકી જતા હોય છે અને વધેલો અનાજનો જથ્થો કાળા બજારમાં વેચી દેતા હોવાની ફરિયાદો ઉભી થઇ છે.

આમ ઉચ્છલ તાલુકામાં કાર્ડધારકોને આપવામાં આવતી કુપન નિઃશુલ્ક આપવામાં આવે અને કુપન મુજબ અનાજનો જથ્થો આપવામાં આવે તેવી કામગીરી મામલતદાર અને પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતે યોગ્ય પગલાં ભરવામાં ન આવે અને ગેરરીતિ ન અટકે તો અરજદારો અને કાર્ડધારકો ઉચ્છલ મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે એવી ચીમકી આપવામાં આવી હતી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવનાર હોવાની જાણ મામલતદાર ને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...