રજુઆત:ઉચ્છલ CHCને પેટા જિલ્લા હોસ્પિટલમાં ફેરવવા માંગણી

સોનગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2018/19 માં 400 લાખના ખર્ચે 100 પથારીની હોસ્પિટલ બનાવવાનું નક્કી થયું હતું

ઉચ્છલ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલમાં પૂરતા પ્રમાણમાં આરોગ્યલક્ષી સેવાઓ મળતી ન હોવાથી આ કેન્દ્ર ને તાકીદે પેટા જિલ્લા હોસ્પિટલ માં ફેરવવાની અને એ પ્રમાણે સગવડ આપવાની માગ યુવક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. ઉચ્છલ ખાતે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્ર ને 2018/19 ના વર્ષમાં અપગ્રેડ કરી પેટા જિલ્લા હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી અને એ પ્રમાણે નવું પેટા જિલ્લા હોસ્પિટલ નું પાટિયું પણ મારી દેવામાં આવ્યું છે જોકે સુવિધા ના નામે અહીં વધારા ની કોઈ સગવડ આપવામાં આવી નથી.

આ કેન્દ્ર ને પેટા હોસ્પિટલમાં ફેરવવા માટે ગાંધીનગર ખાતેના આરોગ્ય વિભાગના કમિશનરે અગ્ર સચિવ ને એક પત્ર પાઠવી ઉચ્છલ ખાતે ના હાલના હયાત મકાનમાં નવેસર થી ફર્નિચર અને હોસ્પિટલ ને લગતાં સાધનો ખરીદવા માટે રૂપિયા 400 લાખની જોગવાઈ કરી મંજૂરી અર્થે મોક્લ્યો હતો.જો કે આ વાત ને અંદાજિત 2 વર્ષ કરતા વધુ નો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી આ ફાઇલ અટવાઈ રહી છે.હાલમાં તાલુકા મથકે આરોગ્ય વિષયક સેવાઓ નામ માત્ર ની ઉપલબ્ધ હોય કટોકટી ના સમયે વ્યારા સુધી દોડવું પડે છે અને એમાં ઘણી વખત દર્દી ને જાન ગુમાવવો પડે છે.

આ અંગે નિઝર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ મઘુર ભાઈ ગામીત અને અન્ય કાર્યકરોએ ઉચ્છલ ખાતે 100 પથારી સાથે ની અદ્યતન પેટા જિલ્લા હોસ્પિટલ શરૂ કરવામાં આવે અને સાથોસાથ પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો સહિત નો સ્ટાફ ફાળવવામાં આવે તેવી પણ માંગ મામલતદાર સમક્ષ મૂકી હતી.આ બાબતે જો ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા યોગ્ય કામગીરી શરૂ કરવામાં ન આવે તો આગામી દિવસોમાં યુથ કોંગ્રેસ દ્વારા તાલુકા મથકે ધરણાં સહિત વિરોધ પ્રદર્શન શરૂ કરાશે એવી ચીમકી આપવામાં આવી હતી.

સગર્ભા બહેનોને ઘણી મુશ્કેલીઓ પડે છે
ઉચ્છલ તાલુકો સંપૂર્ણ આદિવાસી તાલુકો છે. અહીં આરોગ્યલક્ષી સારવાર માટે ખાનગી ડૉક્ટરો પૂરતા ન હોવાથી લોકો માટે ઉચ્છલ નું માત્ર આ આરોગ્ય કેન્દ્ર જ ઉપયોગી બનતું આવ્યું છે.હાલમાં યોગ્ય સારવારના અભાવે ખાસ સગર્ભાને સારવાર માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...