માંગ:ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધમધમતાં દારૂના અડ્ડા બંધ કરાવવા માંગ

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાત દિવસમાં આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી ન થાય તો જનતા રેડની ચીમકી

ઉચ્છલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે એવાં આક્ષેપ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા ઉચ્છલ તાલુકા મામલતદાર લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.આ સંદર્ભે સાત દિવસમાં યોગ્ય પગલાં ભરવામાં ન આવે તો દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. ઉચ્છલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સખારામભાઈ ગામીત અને તાલુકા પંચાયત સભ્ય વિવેકભાઈ પાડવી તથા આદિવાસી સામાજિક કાર્યકર્તા સેમનભાઈ વસાવા સહિત આગેવાનોએ મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી.

તેમાં જણાવ્યા પ્રમાણે તાલુકાના તમામ ગામોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. આવા ગેરકાયદેદારૂના વેચાણના કારણે ભવિષ્યમાં લઠ્ઠા કાંડ સર્જાવાની શક્યતા છે. તાલુકાના યુવકો અને વિદ્યાર્થીઓ આવા દારૂ જેવા ગંભીર દૂષણ નો ભોગ બની રહ્યા છે ત્યારે ઉચ્છલ તાલુકામાં દારૂબંધી નો કડક અમલ કરવામાં આવે અને દારૂ વેચતા ઈસમો સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગણીઓ પત્રમાં કરવામાં આવી હતી.

ગામડાઓમાં દારૂના વેચાણ ના કારણે સ્થાનિકોનું શોષણ થઈ રહ્યું છે અને આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે જેથી દારૂના દૈત્ય રૂપી દૂષણને તાકીદે ડામી દે તેવી માંગ પણ કરી હતી. આ સંદર્ભે આવનાર સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી ન થાય તો આગેવાનો એ પ્રજાને સાથે રાખીને દારૂના અડ્ડા પર જનતા રેડ કરવાની ચીમકી આપી હતી.ઉચ્છલ પોલીસ યોગ્ય પગલાં ભરે અને તાલુકામાં દારૂના અડ્ડા તાકીદે બંધ કરાવે એ જરૂરી છે.ઉચ્છલ મામલતદારને કરેલ રજૂઆતની નકલ તાપી જિલ્લા એસ પી ,કલેકટર અને રેંજ આઈ જીને પણ મોકલી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...