માનવભક્ષી દીપડાનો આતંક:સોનગઢના હનુમંતિયા ગામે ઘરઆંગણે રમતી 3 વર્ષની બાળકીને ફાડી ખાધી, ધડ અને માથું અલગ અલગ જગ્યાએથી મળ્યાં

સોનગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુરતના માંડવી બાદ હવે તાપીના સોનગઢ તાલુકામાં આદમખોર દીપડાનો આતંક
  • ઘરથી થોડે દૂર આવેલા ખેતરમાંથી માસૂમનો મૃતદેહ ક્ષતવિક્ષત અવસ્થામાં મળ્યો

સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામે રહી મજૂરી કરતા કુટુંબની ત્રણ વર્ષીય બાળા પર દીપડાએ હુમલો કરી તેને ફાડી ખાતાં નાનકડા ગામમાં અરેરાટીની લાગણી જોવા મળી છે. ભોગ બનનાર બાળકીનાં માતા-પિતા મૂળ ખરગોન એમપીના રહેવાસી છે અને ઈંટના ભઠ્ઠા પર મજૂરી કરવા માટે આવ્યાં હતાં.

મળેલી વિગત પ્રમાણે, મૂળ મધ્યપ્રદેશના એક ગામમાં રહેતા રાહુલભાઈ રમેશભાઈ ધામણે છેલ્લા કેટલાક સમયથી પરિવાર સાથે સોનગઢના હનુમંતિયા ગામે આવેલા ઈંટના ભઠ્ઠા પર મજૂરીકામ માટે આવેલાં છે. તેઓ ઈંટના ભઠ્ઠા નજીક જ કાચું ઝૂંપડું પાડી વસવાટ કરે છે. શુક્રવારે રાત્રિના સમયે રાહુલભાઈ ધામણેની ત્રણ વર્ષની દીકરી વૈષ્ણવી અચાનક જ ગુમ થઈ ગઈ હતી. આ બાળકી ગુમ થઈ જતાં પરિવારજનો અને મિત્રો તેની શોધખોળ કરવાના કામે લાગ્યાં હતાં.

દરમિયાન તેમનાં ઝૂંપડાથી થોડે દૂર આવેલા એક શેરડીના ખેતરમાંથી વૈષ્ણવીનો મૃતદેહ ક્ષતવિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ એક હિંસક દીપડાએ વૈષ્ણવી પર હુમલો કરી તેને ખેતરમાં ઊંચકી ગયો હતો. દીપડાએ હુમલો કરી આ બાળાનું માથું અને ધડ પણ જુદા કરી નાખ્યા હતા તથા તેનું ધડ અને માથું અલગ અલગ સ્થળેથી મળ્યાં હતાં. આ અંગે રાહુલભાઈએ સોનગઢ પોલીસ મથકે જાણ કરી હતી, જ્યારે વન વિભાગને પણ જાણ કરવામાં આવતાં વન વિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દીપડાને પાંજરે પૂરવાના પ્રયત્ન શરૂ કર્યા હતા.

ઇંટના ભઠ્ઠા પર કામ કરતા મૂળ એમપીના પરિવારે દીકરી ગુમાવી
આ અંગે સાદડવેલ રેંજના પરિક્ષેત્ર વન અધિકારીએ જણાવ્યું હતું કે હિંસક દીપડાને પકડવા માટે વન વિભાગે દીપડાને પાંજરે પૂરવાની તૈયારી હાથ ધરી હતી. આ વિસ્તારમાં જ્યાં ઈંટના ભઠ્ઠા આવેલા છે અને નજીક શેરડીના ખેતર પણ આવેલાં છે એવા સ્થળે રહેઠાણની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવા ભઠ્ઠામાલિકોને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હુમલાનો ભોગ બનનાર બાળકીના મૃત્યુના કેસમાં રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવા વન વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ભોગ બનનાર બાળકીના પરિવારને 5 લાખની સહાય કરાશે
ગુજરાતમાં આ અગાઉ હિંસક પ્રાણી દ્વારા થતા હુમલામાં થતા માનવમૃત્યુના કિસ્સામાં રૂપિયા 4 લાખની અને ગાય ભેંસ જેવા પાલતુ પશુના મૃત્યુના કિસ્સામાં 30,000ની સહાય ચૂકવવામાં આવતી હતી. જોકે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના તા.5/1/22ના ઠરાવની જોગવાઈ મુજબ માનવમૃત્યુના કેસમાં વ્યક્તિદીઠ રૂપિયા 5,00,000ની સહાય ચૂકવવાની જાહેરાત થઈ હતી. આ બનાવમાં પણ બાળકીનાં પરિવારજનોને પાંચ લાખની સહાય ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...