ફરિયાદ:જામલીમાં 75 લાભાર્થીના શૌચાલયના કામો અધૂરા હોવાની DDOને ફરિયાદ

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચે કામ પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપી હોવા છતાં તેનું પાલન નહીં

ઉચ્છલ તાલુકાના જામલી ગામે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલય ની કામગીરીમાં 75 જેટલા લાભાર્થીઓ ના ઘરે શૌચાલય ની કામગીરી અધૂરી પડી છે અને મનરેગા ની મજૂરીના નાણાં પણ ચુકવવામાં આવ્યા ન હોય આખરે ગ્રામજનોએ તાપી જિલ્લા વિકાસ અધિકારીને રજુઆત કરી હતી.

ઉચ્છલ તાલુકાના જામલી ગામે ગ્રામ પંચાયતના સરપંચ રતિલાલ અર્જુનભાઈ વસાવા દ્વારા ગામમાં આશરે 75 જેટલા લાભાર્થી ના ઘરે શૌચાલય ની કામગીરી હાલમાં અધુરી પડી છે અને એ સાથે જ નાણાપંચ ના કામો જેવા કે પંચાયતના ,મકાન ના અને આદિમ જૂથના આવાસ યોજનાના કામમાં પણ કથિત રૂપે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની રાવ થઇ છે.આ સંદર્ભે અરજદાર સુરેશભાઈ બાલાભાઈ વસાવા અને અન્ય દસ જેટલા લાભાર્થી દ્વારા તાપી જિલ્લા વિકાસ અધિકારીને લેખિત પત્ર સોંપવામાં આવ્યો હતો અને તપાસની માંગ કરવામાં આવી હતી.પત્રમાં જણાવ્યા પ્રમાણે ગ્રામ પંચાયત જામલી દ્વારા હાથ ધરવામાં આવેલ વ્યક્તિગત શૌચાલય ના કામ પૈકીના 75 જેટલા લાભાર્થી ના ઘરે શૌચાલય ની કામગીરી અધૂરી પડી છે.એ સાથે જ ભૂતકાળમાં થયેલા મનરેગા ના કામો સંદર્ભે ચૂકવવા પાત્ર મજૂરી ની રકમ પણ લાભાર્થીઓ ના ખાતામાં જમા કરવામાં નથી આવી હોવાનો આક્ષેપ પણ પત્રમાં કરવામાં આવ્યો છે.

આ બાબતે ગત સપ્ટેમ્બર માસની 27 મી તારીખે ગ્રામજનો અને સરપંચ અને ચૂંટાયેલા સભ્યો ભેગા થયા હતા એ વખતે સરપંચે પોતાના લેટર પેડ પર અઘૂરા પડેલા શૌચાલય ના કામો ચાર થી પાંચ માસમાં પૂર્ણ કરી આપવાની ખાતરી આપી હતી.એ સાથે જ મનરેગા યોજનામાં થયેલા કામો પૈકીના લેબર નું ચુકવણું જે પણ લાભાર્થીઓ ના ખાતામાં જમા થયેલ નથી તેવા લોકોના બેંક ખાતામાં 1 થી 2 માસ માં જમા કરવાની ગ્રામજનો સામે જવાબદારી સ્વીકારી હતી અને એ પ્રમાણે લેખિત બાંહેધરી પણ આપી હતી.

જો કે સમય વીતી ગયો હોવા છતાં લાભાર્થીઓને બાકી નીકળતા મજૂરીના નાણાં ચૂકવવામાં આવ્યા નથી અને સરપંચે કામ પૂર્ણ કરવાની લેખિત બાંહેધરી આપી હોવા છતાં તેનું પાલન કર્યું નથી.આ બાબતે સરપંચે ભ્રષ્ટાચાર યુક્ત વહીવટ કર્યો હોય પંચાયત દ્વારા કરવામાં આવેલ કામો ની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...