તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્કાજામ:ચાંપાવાડી ફાટક થઇ વાહનોની અવરજવર વધતાં ટ્રાફિક જામ

સોનગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્લાય ઓવરબ્રિજની માંગણી સાથે કોંગ્રેસે આંદોલન કર્યું હતું

સોનગઢથી આહવા જતા નેશનલ હાઇવે પર ચાંપાવાડી ગામ પાસે તાપ્તી વેલી રેલવે લાઈન પર આવેલા રેલવે ફાટક થઇ પસાર થતા વાહનોની સંખ્યામાં વધારો થતા હવે આ સ્થળે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓ પણ વધવા પામી છે. રેલવે તંત્ર અને હાઇવે ઓથોરિટી આ સમસ્યાનું નિરાકરણ કરે અને ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી તાકીદે શરૂ કરે એવી માંગણી ઉભી થઇ છે.

દક્ષિણ સોનગઢના અંદાજિત 70 કરતા વધુ ગામો અને અંદાજિત 90,000ની જનસંખ્યા માટે તાલુકા મથક સોનગઢ ખાતે આવવા માટે આહવા-સોનગઢ નેશનલ હાઇવે એક માત્ર રસ્તો છે. હાલમાં આ રોડ પર આવેલી તાપ્તી વેલી રેલવે ટ્રેક ડબલ કરવામાં આવતા દક્ષિણના રાજ્યમાં જતી મોટેભાગની ટ્રેન વાયા ભુસાવળ થઇ એટલે કે આ રેલવે માર્ગ થઇ પસાર થાય છે. હાલમાં અહીંથી ચોવીસ કલાકમાં અંદાજિત 70 કરતા વધુ અપ અને ડાઉન ટ્રેનો પસાર થાય છે. આ ટ્રેનો પસાર થવાના સમયે ચાંપાવાડી રેલવે ફાટક મોટેભાગનો સમય બંધ રહેતો હોય વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડે છે અને સમય અને ઇંધણનો વ્યય પણ થઇ રહ્યો છે. દિવસ દરમિયાન મોટે ભાગે ફાટકની બંને તરફ વાહનોની 500 મીટરથી વધુ લાંબી લાઈનો લાગી જાય છે. આ સ્થળે ફ્લાય ઓવરબ્રિજ બનાવવા ગત ડિસેમ્બર-2019માં યુવા કોંગ્રેસ દ્વારા રેલવે રોકો આંદોલન કરાયું હતું, જે તે સમયે ઉપસ્થિત રેલવેના અને અન્ય અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જો કે આ વાતને વર્ષનો સમય પૂરો થવા આવ્યો હોવા છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થાય એવા ચિન્હ દેખાતા નથી. તે સમયે મોટે પાયે આંદોલન કરી રેલવે રોકનાર યુવા કોંગ્રેસના આગેવાનો પણ હાલમાં શાંત પડી એવા હાલ છે.

નાસિક જતાં વાહનો આ તરફ વળ્યા
મહારાષ્ટ્ર રાજ્યના નાસિક અને પૂના તરફ જતા વાહનો પહેલા વાયા નવાપુર, દહીંવેલ અને સાકરી થઇ ગંતવ્ય સ્થાને પહોંચતા હતા પરંતુ હાલમાં એ રસ્તો ખરાબ હોય એ તરફ જતા તમામ વાહનો આ રસ્તે થઇ વાયા આહવા સાપુતારા થઇ નાસિક તરફ જઈ રહ્યા છે. આ કારણે ચાંપાવાડી રેલવે ફાટક પર ટ્રાફિકનું ભારણ ઘણું વધી ગયું છે. એ સાથે જ આ રસ્તો ડાંગ જિલ્લાના હરવાફરવાના સ્થળો સુધી પણ પહોંચતો હોવાથી બારેમાસ પ્રવાસીઓની અવજવર રહે છે. આમ આ રસ્તો ડાંગ અને તાપી જિલ્લાને અને ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો અગત્યનો રસ્તો હોય વહેલી તકે ફાટકના સ્થળે ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે. - વેલજી ગામીત, મંત્રી, દ.ગુ.આદિવાસી મંચ

અન્ય સમાચારો પણ છે...