સોનગઢ ખાતે સોમવારે કોંગ્રેસ અને ભાજપ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.કોંગ્રેસ પાર્ટી દ્વારા સોનગઢ ખાતે દશેરા કોલોની નજીક શાળાના મેદાનમાં સીમિત લોકોની હાજરીમાં એક સભા આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત રાજ્ય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ ભાજપની રાજ્ય સરકારની ઝાટકણી કાઢી બીજેપીને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી હતી. માજી સાંસદ તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું કે તાપી જિલ્લામાં ભાજપ દ્વારા આદિવાસી સમાજના કલ્યાણના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.
ઢોલ સાથેની એક રેલી બસ સ્ટેન્ડ સુધી આવી હતી અને નાચ ગાન અને ઉત્સાહના વાતાવરણમાં ઉજવણી સંપન્ન થઈ હતી. જિલ્લા બીજેપી દ્વારા સોનગઢના અગ્રવાલ ભવનમાં તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજ ભાઈ વસાવા અને માજી મંત્રી અને સુમુલના ડિરેક્ટર કાંતિભાઈ ગામીતની હાજરીમાં એક સભામાં તાલુકામાંથી આદિવાસી ભાઈબહેનો ઉપસ્થિત રહ્યા હતા.
વકતાઓ દ્વારા તાપી જિલ્લામાં જુદા જુદા તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા વિકાસ કામોની માહિતી આપવામાં આવી હતી. એ સાથે જ સમગ્ર આદિવાસી સમાજના ઉત્થાન માટે ગુજરાત સરકાર દ્વારા વન બંધુ કલ્યાણ યોજના સહિતની કેટલીય યોજનાઓ શરૂ કરવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી હતી.
બેન્ડ રિટર્ન કરતાં યુવાનો ઉશ્કેરાયા
માંગરોળ તાલુકાના વાંકલ ગામે એક તરફ સરકારી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી આયોજન થયું હતું જ્યારે બીજી તરફ માંગરોળ ઉમરપાડા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણીનું આયોજન થયું હતું એક જ સ્થળે બે કાર્યક્રમ હોવાથી વિવાદ ચાલી રહ્યો હતો. પોલીસે રેલી રોકવાનો પ્રયાસ કરી બેન્ડના વાહનને રિટર્ન કરી દીધું હતું. યુવાનોએ રસ્તો બ્લોક કરવા ચીમકી ઉચ્ચારતા આયોજકો અને પોલીસ વચ્ચે તડાફડી થઈ હતી પરંતુ ભીડને ધ્યાનમાં લઇ પોલીસે સાંસ્કૃતિક રેલી આગળ જવા દીધી હતી. રેલીનું સમાપન થયા બાદ પોલીસે રેલીમાં આવેલ બેન્ડ પાર્ટીના વાહનને કબજે લીધુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.