તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સોનગઢમાં પેટ્રોલપંપ પાસે કારનો કાચ તોડી 80 હજારના પાકિટની ચોરી

સોનગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારમાં પંકચર પડતા વેપારી ટાયર લેવા ગયા હતા

વ્યારા ખાતે રહેતા વેપારી પોતાની કાર લઈ સોનગઢ-ઉકાઈ ખાતે ઉઘરાણી કરવા આવ્યા હતા. ઉકાઈથી પાછા ફરતી વખતે રસ્તે પાછળના બે ટાયર પંકચર પડી ગયા હતા, જેથી સ્થાનિક મિત્રની સાથે મોપેડ પર ટાયરની દુકાને નવા ટાયર ખરીદવા ગયા હતા. પાછળથી કોઈ ચોર ઈસમ કારના ડાબી સાઈડનો કાચ તોડી સીટ પર મુકેલી 80,000ની રોકડ સાથેનું પાકીટ ચોરી કરી નાસી ગયો હોવાનો બનાવ નોંધાયો હતો. આ અંગે સોનગઢ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

મળેલ વિગત પ્રમાણે વ્યારાના રિધમ હોસ્પિટલની પાછળ આવેલી ટાઉનશીપમાં રહેતા મહેશભાઈ બાબુલાલ પટેલ દર અઠવાડિયે સોનગઢ અને ઉકાઈ ખાતે પોતાના ધંધા અને ઉઘરાણી માટે આવે છે. સોમવારે સવારે પણ તેઓ પોતાની સ્પાર્ક કાર નંબર GJ-26-A -5904 લઈ સોનગઢ ખાતે આવ્યા હતા અને અહીંથી ઉઘરાણીનું કામ પૂર્ણ કરી ઉકાઈ ખાતે ગયા હતા. ત્યાંથી એઓ ધંધાની ઉઘરાણીમાં આવેલા 80,000 રૂપિયા અને ખાતાવહી તથા રસીદબુક વગેરે એક પાકીટમાં મૂકી પાકીટ પાછળની સીટ પર મુકી વ્યારા પરત જવા નીકળ્યા હતા.

દરમિયાન સોનગઢ-ઉકાઈ રોડ પર એક અજાણ્યા રાહદારીએ તેમને જણાવ્યું કે તમારી કારના ટાયરમાં પંકચર છે, જેથી મહેશભાઈ ઉકાઈ રોડ પર આવેલ સીપીએમ મિલના ગેટની નજીક પાછળનું ટાયર બદલી નાખી આગળ જવા નીકળ્યા હતા.રસ્તે આવતા એક પેટ્રોલ પંપ પર પાછળના ટાયરમાં હવા પુરાવતી વખતે પાછળના બંને ટાયરમાં હવા ઓછી હોવાથી ફરી પંકચર પડ્યું હતું એમણે આગળ આવેલા એસ આર પેટ્રોલ પંપ પાસે પોતાની કાર પાર્ક કરી ઉકાઈ ખાતે રહેતા પોતાના મિત્રને મદદ માટે ફોન કર્યો હતો.

ઉકાઈથી અશોક શાલિગ્રામ નામનો મિત્ર પોતાની મોપેડ લઇ ઉકાઈ રોડ આવ્યો હતો અને તેણે મહેશભાઈને મોપેડ પર બેસાડી સોનગઢ ખાતે આવેલ ટાયરની શોપમાં ટાયર ખરીદવા લઇ ગયો હતો.એઓ થોડા જ સમયમાં ટાયર ખરીદી કરી પરત પંપ પર આવ્યા હતા આ સમયે મહેશભાઈની નજર કારના ડાબી તરફના કાચ પર પડતાએ તૂટેલો દેખાયો હતો અને કારની પાછળની સીટ પર મુકેલી ઉઘરાણી સાથેનું પાકીટ ગુમ હતું.

આ અંગે તેમણે સોનગઢ પોલીસ મથકે કોઈ અજાણ્યા ચોર સામે કારનો કાચ તોડી પાછલી સીટ પર મુકેલી રોકડા રૂપિયા 80,000 અને ખાતાવહી, રસીદબુક સાથેનું પાકીટ ચોરી કરી જવા સંદર્ભે ફરિયાદ નોંધાવી હતી. અત્રે નોંધનીય છે કે આ બનાવમાં ચોર ટોળકી ફરિયાદીની કારના ટાયર યેનકેન રીતે પંકચર કરી દીધા બાદ કસબ અજમાવી બાદમાં મોકો મળતાં જ રોકડ સાથેનું પાકીટ લઈ નાસી જવામાં સફળ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...