શાળાની ગરિમા લજવી:સોનગઢના મોગરણમાં પેનલ ઇન્સ્પેક્શન બાદ શિક્ષકોએ વિદ્યાના મંદિરમાં જ માંસ ખાધું ને વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યું!

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્યા ઘટના બની તે ઉચ્છલ તાલુકાના મોગરણ શાળા અને ઘટના બાદ વિરોધ કરી રહેલા ગ્રામજનો અને તેમને જવાબ આપી રહેલા આચાર્ય. - Divya Bhaskar
જ્યા ઘટના બની તે ઉચ્છલ તાલુકાના મોગરણ શાળા અને ઘટના બાદ વિરોધ કરી રહેલા ગ્રામજનો અને તેમને જવાબ આપી રહેલા આચાર્ય.
  • ઉચ્છલના ચિત્તપુર કેન્દ્રની 9 શાળાના ઇન્સ્પેકશન માટે આવેલી ટીમે શાળાની ગરિમા લજવી
  • મટન પાર્ટીની ઘટના બાદ ગ્રામજનોનો આક્રોશ ઠાલવતો વીડિયો વાયરલ થતા હકીકત બહાર આવી
  • ​​​​​​​તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત 10 શિક્ષકો ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા

ઉચ્છલ તાલુકાના મોગરણ ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં ચિતપુર કેન્દ્રની 9 શાળાનું તાલુકા શિક્ષણ અધિકારી સહિત 10 શિક્ષકોની પેનલ ઇન્સ્પેકશન રાખવામાં આવ્યું હતું, અને શાળામાં જ શિક્ષકોએ નોંવેજની પાર્ટી કરી વિદ્યાના મંદિરની ગરિમા ભૂલ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. સમગ્ર હકીકતની જાણ ગામના અગ્રણીઓને પાછળથી થતા શાળામાં દોડી ગયા હતા, અને શાળાના આચાર્યને વિદ્યાના મંદિરમાં માસ-મટન ખાવા બાબતે ખુલાસો પૂછતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર કિસ્સો બહાર આવ્યો છે.

શિક્ષકોએ વિદ્યાનું મંદિરમાં નોનવેજ પાર્ટી કરી, પરંતુ સાથે વિદ્યાર્થીઓને પણ ખવડાવ્યું હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે. મોગરણ ગામની શાળામાં તાલુકા શિક્ષણ અધિકારી યોહાન ગામીત અને અન્ય બીજા 9 શિક્ષકો મળી 10ની પેનલ બનાવી ગત 9મી એપ્રિલના રોજ ચિત્તપુર કેન્દ્રની 9 શાળાના પેનલ ઇન્સ્પેક્શન રાખવામાં આવ્યું હતું. જેમાં નવ શાળાના આચાર્યોને ચોપડા લઈને બોલાવ્યા હતા. આ દિવસે તિથિ પ્રમાણે માતાજીની ચૈત્રી નવરાત્રીની આઠમનો પવિત્ર દિવસ પણ હતો.

શાળામાં ઇન્સ્પેક્શન કાર્ય પૂર્ણ થયા બાદ બાળકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું, અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. થોડાક વિદ્યાર્થીઓને શાળામાં ભોજનની વ્યવસ્થા માટે રોકી રાખવામાં આવ્યા હતા. એ પછી શાળામાં હાજર શિક્ષકોએ વિદ્યાનું મંદિર ગણાતું પવિત્ર સ્થળ પર નોનવેજ (માંસ-મટન)ની પાર્ટી માણી હતી, અને સાથો સાથ ત્યાં રોકાયેલા વિદ્યાર્થીઓને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે.

વિદ્યાર્થીઓ થકી ગામના અગ્રણીઓને જાણ થતા શિક્ષકો જ ગરીમા ભૂલ્યા હોવાનું માલુમ થતા જ શાળા ખુલતા જ દોડી ગયા હતાં. અને શાળાના આચાર્યને ગામના અગ્રણી ચુનીલાલ વસાવાએ પૂછપરછ કરતાંનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. જેમાં શિક્ષકોને શાળામાં માંસ ખાવાની પરવાનગી કોણે આપી એ અંગે સવાલો ઉઠ્યા છે.

ઇન્સ્પેક્સન માટે આવેલા શિક્ષક જ નોનવેજ લઈને આવ્યા હતા
શાળાનું નિરીક્ષણ કરવા આવેલ મનીષભાઇ નામના શિક્ષક તેમની સાથે નોનવેજ લાવ્યા હતા. બાળકોને મધ્યાહ્ન ભોજન બાદ રજા આપી દેવાઇ હતી, પરંતુ ટેબલ મુકવા સહિતની વ્યવસ્થા માટે કેટલાક બાળકોને શાળામાં રોકી રાખવામાં આવ્યા હતા. જોકે, આ બાળકોએ નોનવેજ ખાધું કે નહીં ? એ બાબતે જાણકારી નથી. - જયેશભાઇ, આચાર્ય, પ્રાથમિક શાળા મોગરણ

મારા ઘરના જ બાળકોએ માસ ખાધું
મારા ઘરના જ બે બાળકોએ શાળામાં માસ ખાધું હોવાનું જણાવે છે. શાળા એટલે વિદ્યાનું મંદિરમાં શિક્ષકો જ માંસ ખાઈ અને વિદ્યાર્થીઓને ખવડાવે એ કેટલું યોગ્ય ? - ચુનીલાલ વસાવા, મોગરણ ગામના અગ્રણી

શિક્ષકોના નિવેદન લઇ તપાસ થશે
હાલ રજા છે. શાળા ખુલશે ત્યારે શિક્ષકોના નિવેદન લેવાશે. જેમાં ઇન્સ્પેકશન ટીમમાં કોણ કોણ આવ્યું હતું. ત્યારબાદ તેમના નિવેદન લેવાશે. - જયેશભાઇ ચૌધરી, નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધિકારી તાપી

તપાસ માટે 3 અધિકારીની ટીમ બનાવવામાં આવી છે
ઘટનાની તપાસ માટે જયેશ ચૌધરી (જિલ્લા નાયબ પ્રા. શિક્ષણ અધિકારી), કલ્પેશ ગામીત (ડોલવણ તાલુકા પ્રા. શિક્ષણ અધિકારી) અને શૈલેષ પરમાર(વ્યારા તાલુકા પ્રા.શિક્ષણ અધિકારી)ની ટીમ બનાવી તપાસ કરશે, જે રિપોર્ટ આધારે કાર્યવાહી કરાશે. - દિપક દરજી, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તાપી

અન્ય સમાચારો પણ છે...