કોર્ટનો આદેશ:2.20 લાખનો ચેક બાઉન્સ થતાં આરોપીને વર્ષની સજા

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 માસમાં વળતર ચુકવવા સોનગઢ કોર્ટનો આદેશ

સોનગઢના વેપારીએ ભાગીદાર સાથે રેતીનો ધંધો કર્યો હતો. અને એ પેટે ભાગીદારે 2,20,000નો ચેક આપ્યો હતો. આ ચેક બાઉન્સ થતાં કોર્ટમાં ફરિયાદ થઈ હતી, અને આ અંગે ચુકાદો આવતાં આરોપીને નામદાર જજે એક વર્ષની સજા ફટકારી હતી.

સોનગઢ ના મિસ્ત્રી ફળિયામાં રહેતાં સુધીરભાઇ પ્રકાશભાઈ બાગડેએ બોરીસાવર ગામે રહેતાં ગત થોડા સમય પહેલાં માધુભાઈ નથીયાભાઈ કોટવાળીયા સાથે ભાગીદારીમાં રેતીનો ધંધો કર્યો હતો. જો કે બાદમાં આ રેતીના ધંધાની ભાગીદારી લાંબી નહિ ટકતા બંને ભાગીદાર છૂટા પડ્યા હતાં, અને ફરિયાદી પ્રકાશભાઈએ ભાગીદાર માધુભાઈ પાસે રૂપિયા પરત માંગતા માધુભાઈએ એટલી જ રકમનો ચેક લખી આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરવામાં આવતાં ખાતામાં પૂરતાં નાણાં જમા ન હોય, ચેક બાઉન્સ થયો હતો.

આ સંદર્ભે ફરિયાદીએ સોનગઢના નોટરી વકીલ રાકેશભાઈ બધેકા મારફત સોનગઢ કોર્ટમાં આરોપી માધુભાઈ સામે ચેક બાઉન્સ થવા સંદર્ભે સોનગઢ કોર્ટમાં કેસ નંબર 673/15 થી કેસ નોંધાવ્યો હતો.આ કેસ બોર્ડ પર ચાલવા પર આવતાં જે કામે ફરિયાદ પક્ષે પુરતા પુરાવા પડતાં હોય અને ફરિયાદીના વકીલ રાકેશભાઈ બધેકાની ધારદાર રજૂઆતને ધ્યાને લઈ સોનગઢ કોર્ટના જજ એમ. એન. સૈયદનાઓએ આરોપી માધુભાઈને એક વર્ષની કેદની સજા સંભળાવી હતી, અને ચેકના પૂરેપૂરા નાણાં એટલે કે 2,20,000ની રકમ ફરિયાદીને આવતાં બે માસમાં ચૂકવી આપવા પણ આદેશ કરેલ હતો.

એ સાથે જ આરોપી બે માસમાં ચેકના નાણાં ફરિયાદીને ચુકવવામાં નિષ્ફળ રહે, તો વધુ છ માસની સજા ભોગવવાનો હુકમ પણ કર્યો હતો. આ ચુકાદાના કારણે ચેક થકી વ્યવહાર કરતાં લોકો માટે સજાગ રહેવાનો દાખલો બેસે તેમ છે, અને ખાતામાં પૂરતા નાણાં વગર ચેક આપતાં લોકો માટે પણ લાલબત્તી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...