દુર્ઘટના:ઓટો રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત, યુવકને ગંભીર ઈજા

સોનગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈજાગ્રસ્ત બાઇકચાલકને સારવાર અર્થે નંદુરબાર ખસેડાયો

જુના કુકરમુંડા ગામ નજીક મંગળવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક ઓટો રિક્ષાના ચાલકે પોતાની રિક્ષા આડેધડ રીતે હંકારી સામેથી આવતી એક બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ બનાવમાં બાઈકચાલકને શરીરે ગંભીર પ્રકારની ઈજા થતા તેને સારવાર માટે નંદુરબાર ખસેડવામાં આવ્યો હતો. નેવાળા રહેતા રાજેશભાઈ નાઈક(31) મંગળવારે બાઈક નંબર GJ-30-C-4227 લઈ સામાજિક કામ અર્થે જુના કુકરમુંડા તરફ નીકળ્યા હતા.

તેઓ બપોરના જુના કુકરમુંડા ગામમાં સુગર ફેક્ટરી નજીક રસ્તાના વળાંકમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી એક રિક્ષા નંબર GJ-26-T-3509 ના ચાલકે પૂરઝડપે હંકારી લાવી રાજેશભાઈની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર ફેંકાતા ગંભીર ઇજા પામ્યા હતા.અકસ્માત સર્જી રિક્ષા ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો જ્યારે રિક્ષામાં બેઠેલા ત્રણ પૈકીના એક મુસાફરને ઇજા થઇ હતી. આ અકસ્માતના બનાવ અંગે ગંભીર ઇજા પામેલા રાજેશભાઈ નાઈકના પરિવારજનોને જાણ થતા એઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને રાજેશભાઈને 108 વાન ની મદદથી કુકરમુંડા સરકારી દવાખાને લઇ ગયા હતા.

જો કે રાજેશભાઈને ગંભીર ઇજા થઇ હોય કુકરમુંડા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નંદુરબાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ બનાવ સંદર્ભે નિતેશ નાઈકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...