ઉચ્છલ પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર આવેલા ભડભુંજા ગામ નજીક વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે નવાપુરના ખેખડા ગામ તરફથી અંતરિયાળ રસ્તે થઈ આવતી બાઈક પર ગેરકાયદે ગૌમાંસ લાવવામાં આવી રહ્યું છે. આ બાતમી અનુસંધાને ભડભુંજા ચાર રસ્તા નજીક રવિવારે સવારે વોચ ગોઠવવામાં આવતાં 11.30 કલાકના અરસામાં બાતમી પ્રમાણની બાઈક નંબર GJ-05-BH-0878 ખેખડા તરફથી આવતા તેને અટકાવવામાં આવી હતી.
આ બનાવમાં બાઇક ચાલક રફીક અલ્લારખાં શેખની તપાસ કરવામાં આવતા બાઈક સાથે બે થેલા બાંધેલા મળી આવ્યા હતા અને બંને થેલામાં 40 કિલો શંકાસ્પદ માંસના ટુકડા હતા. ઉચ્છલ પોલીસ દ્વારા સ્થળ પર વેટરનરી ડોક્ટરને બોલાવવામાં આવ્યા હતા અને તેમની હાજરીમાં મળી આવેલા માંસના ટુકડામાંથી નમૂનો કાઢી વધુ તપાસ માટે FSL સુરત ખાતે મોકલવામાં આવ્યા હતા અને આ અંગે ઉચ્છલ પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી હતી. સુરત FSLમાંથી મંગળવારે માંસનો પરીક્ષણ રિપોર્ટ આવતા મોકલતા નમૂના ગૌમાંસના જ હોવાનું બહાર આવ્યું હતું.
આ સંદર્ભે બાઇક ચાલક રફીક અલ્લારખાં શેખ રહે. નવાપુર અને આરોપી જેની પાસેથી ગૌમાંસ લાવ્યો હતો એ મહિલા જરોબહેન ખલીલ ખાન શેખ રહે,પાણીની ટાંકી પાસે, ઇસ્લામપુરા નવાપુર સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપીના કોવિડ અંગેના ટેસ્ટ કરાવ્યા બાદ એની ધરપકડ કરવામાં આવશે, જ્યારે ગૌ માંસ વેચનાર જરોબહેન શેખને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી. પોલીસે 35,000ની બાઇક કબ્જે કરી તપાસ શરૂ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.