સોનગઢ નગર પાલિકાનું વર્ષ 2022-23ના વર્ષનું બજેટ ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ દરમિયાન વિવિધ વિકાસ કામો પાછળ કુલ રૂપિયા 46,72,35,000નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. સોનગઢ નગરપાલિકા ખંડમાં વર્ષ 2022 -23નું બજેટ મંજૂર કરવા માટેની ખાસ સામાન્ય સભા પાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. એમાં પાલિકા ઉપપ્રમુખ ભાવનાબહેન ગામીત, કારોબારી અધ્યક્ષ નિખિલભાઈ શેઠ,બાંધકામ અધ્યક્ષ અમિતભાઈ અગ્રવાલ સહિત અન્ય સભ્યો અને વિવિધ સમિતિના ચેરમેન ઉપસ્થિત રહી વિકાસ કામો બાબતે લંબાણ પૂર્વક ચર્ચા કરી હતી.
વિકાસ કામોની શ્રેણીમાં ગામના મુખ્ય માર્ગ ગણાતા ગૌરવપથનું રેસ્ટ હાઉસથી ઓટા ચારરસ્તા સુધીનું કામ, સ્ટેશન રોડ અને દેવજીપૂરા ઉકાઈ રોડને બ્યુટીફિકેશનનું કામ તથા વિવિધ વોર્ડમાં રસ્તા, ગટર અને લાઈટના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટના આંકડા પર નજર નાખીએ તો તારીખ 1/04/22 ના રોજ ઉઘડતી સિલક અંદાજિત રૂપિયા 43,03,99,263 રહેવાની સંભાવના છે, જ્યારે વર્ષ દરમિયાન અંદાજિત રૂપિયા 22,49,59,836 ની આવક મળી કુલ આવક રૂપિયા 65,53,59,099 થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.
સમગ્ર વર્ષ દરમિયાન વિકાસ કામો પાછળ રૂપિયા 46,72,35,000 નો ખર્ચ કરવામાં આવનાર છે અને એ રીતે 2022-23ના વર્ષના અંતે પાલિકા પાસે રૂપિયા 18,81,24099 જેટલી પુરાંત સિલક બાકી રહેવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.