તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ધમોડી પાસે આંખમાં મરચાની ભૂકી નાખી મોપેડ સવાર મહિલા બેન્ક કર્મચારી પાસેથી 1.11 લાખ લૂંટ ચલાવનારા 3ને રાત્રે દબોચી લેવાયા

સોનગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
3માંથી 2 આરોપી અગાઉ પણ જેલની હવા ખાઇ ચુક્યા છે - Divya Bhaskar
3માંથી 2 આરોપી અગાઉ પણ જેલની હવા ખાઇ ચુક્યા છે
  • ડોસવાડા ગામના 3 લૂંટારુને અટક કરી લૂંટનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો

સોનગઢ તાલુકાના બંધારપાડાથી સરૈયા જતા રસ્તા પરથી મોપેડ પર જતી બેંકની મહિલા કર્મચારીના આંખમાં મરચાની ભૂકી નાખી, ડિકીમાં બેંકના કલેક્શનના રૂપિયા 1,11,170 ની રોકડ રકમ અને એક મોબાઈલ,ટેબ્લેટ અને એટીએમ કાર્ડ વગેરે મતાની લૂંટ ચલાવી બાઈક સવાર 3 લૂંટારુઓ નાસી ગયા હતા. તાપી જિલ્લા પોલીસ ટીમ બનાવી તાત્કાલિક ડોસવાડા ગામના ત્રણ લૂંટારુને ઝડપી પાડ્યા હતા. પોલીસે લૂંટમાં ગયેલા રોકડામાંથી 1,09,150 કબ્જે કર્યા હતા.

તેમની પાસેથી રિકવર કરાયેલો મુદ્દામાલ
તેમની પાસેથી રિકવર કરાયેલો મુદ્દામાલ

આ અંગે મળેલ વિગત પ્રમાણે વ્યારાના દક્ષિણાપથ પાસે આવેલ બેથેલ કોલોનીમાં રહેતા ટીનુ બહેન નાહ્યાભાઈ ચૌધરી વ્યારા ખાતે આવેલી બંધન બેંકમાં નોકરી કરે છે.તેઓ દરરોજ બેંક માંથી લોન એકાઉન્ટના નાણાંનું કલેક્શન કરવા માટે યામાહા આલ્ફા મોપેડ લઈ સોનગઢ અને વ્યારાના ગામડાઓમાં ફરે છે. ગુરુવારે તેઓ અને અન્ય એક મહિલા કર્મચારી પ્રિયંકા ગામીત બે જુદી જુદી બાઈક પર સોનગઢ તાલુકાના બંધારપાડા ગામની આસપાસ આવેલા ગામડાઓમાં બેંકના લોનના નાણાં ભેગા કરી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ વ્યારા જવા નીકળ્યા હતા.

ટીનુબહેન ધમોડી ગામની સીમમાં આવેલા એક ટાવર પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે અચાનક એમની આંખોમાં બળતરા થતા તેમણે મોપેડ ઉભું રાખી આંખો ચોળતા હતા. એ વખતે વગર નંબરની બાઈક પર બેસી ત્રણ અજાણ્યા ઈસમો ત્યાં આવ્યા હતા.આ ઇસમોએ ટીનાબહેનને શું થયું એમ પૂછી વાતચીત કર્યા બાદ આ પૈકીના એકે તેના હાથમાં રાખેલ મરચાની ભૂકી ટીના બહેનની આંખોમાં નાખી દીધી હતી.એમણે બુમાબુમ કરતા આગળ ચાલતા સહ કર્મચારી પ્રિયંકાબેન ગામીત પરત ફરીને સ્થળ પર આવતા અજાણ્યા ઇસમોએ તેની આંખમાં પણ મરચાની ભૂકી નાખી હતી. બાદમાં આરોપીઓ મોપેડની ડીકી ખોલી તેમાંથી બંધન બેંકની લોન કલેક્શનનાં રોકડા રૂપિયા 1,11,170,એક મોબાઈલ અને એક સેમસંગ કંપનીનો ટેબ કિંમત 10,000 તથા એટીએમ કાર્ડ મળી કુલ 1,21,170 ની મતાની લૂંટ ચલાવી નાસી ગયા હતા.આ બનાવ અંગે મોડી સાંજે સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો.

તાપી જિલ્લા પોલીસ લૂંટનો ગુનો ઉકેલવા ટિમ બનાવી આગળની તપાસ શરૂ કરી હતી. અંગત બાતમીદારો પાસેથી મળેલી બાતમીના આધારે આ લૂંટના બનાવને અંજામ આપનાર આરોપીઓની ઓળખ થઇ હતી. પોલીસે આ બનાવમાં સંડોવાયેલા આરોપી આશિક ઉર્ફે આશિષ ઉર્ફે સેન્દુ સલીમભાઇ ગામીત (રહે.મોટા બંધારપાડા મૂળ ડોસવાડા), સુરેશ ઉર્ફે સુરજ દિનેશ ગામીત (રહે.ગાયવાડા ફળિયું, ડોસવાડા) અને તન્મય કુમાર રાજેશભાઈ ગામીત ( રહે.ગાયવાડા ફળિયું ડોસવાડા) ને દબોચી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટ માં ગયેલા રોકડા રૂપિયા પૈકીના 1,09,150 અને ગુના માં વપરાયેલ પેશન બાઈક GJ -26-P-8248 અને ત્રણ મોબાઈલ કિંમત મળી કુલ 1,39,150 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.પોલીસે આરોપીઓના કબ્જા માંથી ધારદાર છરી પણ કબ્જે લઈ તપાસ આગળ વધાવી હતી.

લૂંટના ગુનામાં ઝડપાયેલા ત્રણ આરોપી પૈકીના સુરેશ દિનેશ ગામીત સામે સોનગઢ પોલીસ મથકે વર્ષ 2007માં આઈપીસી 302 અને 201 પ્રમાણે હત્યાનો ગુનો નોંધાયો હતો.એ જ રીતે આરોપી સુરેશ ગામીત અને આશિક ઉર્ફે આશિષ ગામીત સામે સુરતના ઉમરા પોલીસની હદમાં નોંધાયેલા 13,00,000 ની ઘરફોડ ચોરીના બનાવમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ વર્ષ સુધી જેલ ની હવા ખાધી હતી.