નિર્ણય:વ્યારા કુંભારવાડમાં શાકભાજી માર્કેટને 6 માસ સુધી ત્યાં જ બેસવા માટે મંજૂરી

વ્યારા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારા મામલતદારની અધ્યક્ષતામાં બે પક્ષોની બેઠકમાં નિર્ણય

છેલ્લા કેટલાય સમયથી વ્યારા નગરના કુંભારવાડમાં આવેલા શાકભાજી માર્કેટના કારણે સ્થાનિક રહીશોની મુશ્કેલીમાં વધારો થયો છે. શાકભાજી માર્કેટના અન્ય સ્થળે ખસેડવા માટે બે દિવસથી સ્થાનિકો અને પાથરણાવાળાઓ સાથે બબાલ થઇ રહી હતી. આજરોજ કુંભારવાડના આગેવાનો અને નગરપાલિકાના અધિકારીઓ તેમજ પાથરણાવારાના આગેવાનોએ વ્યારા મામલતદાર બી.બી.ભાવસારની અધ્યક્ષતામાં વ્યારા પાલિકા ખાતે બેઠક યોજી હતી, જેમાં હાલ વિવિધ સુરક્ષા અને સ્થાનિકોને નડતર રૂપ ન થાય એ રીતે કામકાજ કરી માર્કેટ 6 માસ સુધી સ્થળને વૈકલ્પિક રીતે યથાવત રખાયું હતું, જે દરમિયાન વ્યારા પાલિકા શાકભાજી માર્કેટ માટે અન્ય વિકલ્પ શોધશે.

વ્યારા પાલિકા દ્વારા કુંભારવાડ શાકભાજી માર્કેટના પ્રશ્ન પ્રશ્ને તાકિદે હાલ કરે એવી માંગ ઉઠવા પામી હતી. જોકે નગરપાલિકા દ્વારા કોઇ યોગ્ય કામગીરી ન કરતાં મુશ્કેલી વધી રવિવારના રોજ કુંભારવાડના રહીશો દ્વારા એકત્ર થઇ ગયા હતા અને માર્ગ પર લાકડાની આડશ ઉભી કરી રસ્તો બંધ કરી દઈ શાકભાજી માર્કેટ અન્ય સ્થળે ખસેડવા માટે માંગ કરી હતી. બીજી તરફ નગરપાલિકાને જાણ થતાં ઉપપ્રમુખ સુધીરસિંહ ચૌહાણ અને નગર પાલિકા કર્મચારી મલયભાઈએ રવિવારે નિરાકરણ લાવ્યા હતા.

બાદ સોમવારે ફરી કુંભારવાડના સ્થાનિકો અને માર્કેટમાં શાકભાજી વેચતા પાથરણાવાળાઓ સાથે ફરી રકઝક થતા મામલો બીચકયો હતો, જેને લઈ કુંભારવાડના આગેવાનો તેમજ પાથરણા તરફે આગેવાનોએ વ્યારા પાલિકાના હોલમાં વ્યારા મામલતદાર બી.બી.ભાવસાર અને ચીફ ઓફિસર શૈલેષભાઈ પટેલના અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. એક કલાક બેઠક બાદ બને પક્ષે સમાધાન નીતિ અપનાવી હતી, જેમાં પાલિકા દ્વારા હાલ 6 માસ સુધી ત્યાં જ પાથરણાવાળા બેસવા દેવાશે. દરમિયાન પાલિકા દ્વારા અન્ય સ્થળની તજવીજ હાથ ધરશે. સાથે કુંભારવાડના સ્થનિકોને અગવડ, ટ્રાફિકની સમસ્યા ન પડે અને ઘર્ષણ ન ઉભું થાય એ માટે બંદોબસ્ત પણ મુકવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...