પ્રાકૃતિક ખેતી:બીજામૃત, જીવામૃત અને દશપર્ણી અર્ક બનાવવા તાલીમ

વ્યારા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યારાના કેવીકે ખાતે ડોલવણ તાલુકાના 50 માસ્ટર ટ્રેનરોની બે દિવસીય તાલીમનો શુભારંભ

તાપી જિલ્લાના વ્યારા સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી માટે ડોલવણના માસ્ટર ટ્રેનરનો બે દિવસીય તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં 50 ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ​​​કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી ડી.ડી.ઓએ જણાવ્યું હ્તું કે, તાપી જિલ્લાએ પોતે એક ચેલેન્જ ઉપાડી છે. જેમાં જિલ્લામા સૌ પ્રથમ ડોલવણ તાલુકાને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતો તાલુકો બનાવવાની નેમ લીધી છે.

આ ધ્યેય પ્રાપ્ત કરવા ડોલવણ તાલુકાના ખેડૂતો ઉપર વિશ્વાસ રાખી તંત્ર તાલીમ, માર્ગદર્શન અને સહાય આપી ખેડૂતોની સાથે આગળ ધપી રહ્યા છે. જિલ્લાના ઘણા ખેડૂતો પ્રાકૂતિક ખેતી કરે છે અને માસ્ટર ટ્રેનર બન્યા છે. તેઓનો મુખ્ય રોલ એ હશે કે, પોતે પ્રાકૃતિક ખેતી કરી અન્યને પ્રોત્સાહિત કરે. તેમણે સૌ ખેડુત મિત્રોને ઓછામાં ઓછી જગ્યામાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી પોતે ઉપજ અને આવકમાં આવત તફાવતને અનુભવ કરવા આગ્રહ કર્યો હતો. તેમણે શરૂઆત હંમેશા પોતાનાથી કરવી તો જ આપણે અન્યને માર્ગદર્શન આપી શકીએ એમ અપીલ કરી હતી. ખેતીવાડી અધિકારી સતીશ ગામીતે આ પ્રસંગે જણાવ્યું હ્તું કે, આજની તાલીમ ખાસ આપના જ્ઞાનને રીફ્રેશ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

તાલીમ બાદ દરેક ગામમાં ઓછામાં ઓછા 3 માસ્ટર ટ્રેનર તૈયાર થશે જે પોતાના ગામના અન્ય ખેડૂતોને આ અંગે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરશે. આ રીતે એક ઝુંબેશ રૂપે સંપૂર્ણ ડોલવણ તાલુકાના ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનું અયોજન જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અંતે તેમણે ખેતી સંબંધિત કોઇ પણ મુશ્કેલીમાં ખેતીવાડી વિભાગ અને પશુપાલન વિભાગ આપની સાથે જ છે એમ આશ્વાશન આપી વધુમાં જણાવ્યુ હતુ કે, ટૂંક સમયમાં ખેડૂતોને ગીર ગાય ખરીદવા માટે સહાય અને જીવામૃત વગેરે બનાવવા ડ્રમ વગેરેની સહાય આપવામાં આવશે, જેના થકી પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોની સમસ્યા હલ થશે.

આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.આર.ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતુ કે,માસ્ટર ટ્રેનર પોતે પ્રાકૃતિક ખેતી કરી શકે છે અને બીજાને ખેતી માટે પ્રોત્સાહિત કરી શકે છે. પ્રાકૃતિક ખેતીથી આપણે પોતાનીસાથે અન્યનું જીવન ધોરણ ઉપર લાવી શકીએ છીએ. જો એક ગામમાં માસ્ટર ટ્રેનર, ગામના સરપંચ અને જાગૃત નાગરીકો એક જૂથ થઇને પ્રાકૃતિક ખેતીનું બીડુ ઉપાડે તો હરિયાળી ક્રાંતિ લાવી શકે છે. શરૂઆતમાં કેવીકેના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ડી.સી.પંડ્યાએ સ્વાગત પ્રવચન કરતા તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગેના સમગ્ર પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. આ તાલીમમાં ખેડૂતોને બીજામૃત, જીવામૃત અને દશપર્ણી અર્ક બનાવવાની પ્રેક્ટીકલ તાલીમ કેવીકેના વૈજ્ઞાનિક ડૉ.ધર્મીષ્ઠા પટેલ દ્વારા આપવામાં આવી હતી. આ પ્રસંગે કેવીકેના વરીષ્ઠ વૈજ્ઞાનિકો અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...