ઠરાવ રદ:વ્યારા પાલિકામાં ચૂંટાયેલા સભ્યોની જાણ બહાર કરાયેલો ઠરાવ આખરે રદ્દ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્યારા નગરપાલિકામાં વિકાસના કામો સાથે કેટલીક વાર વિવાદમાં પણ આવી જાય છે. તાજેતરમાં વ્યારા નગરપાલિકાની આકારણી સમિતીનાં ચેરમેન અને ચૂંટાયેલા સભ્યોની જાણ બહાર કરાયેલ ઠરાવ આખરે રદ્દ કરાયો છે. આકારણી સમિતીનાં સભ્યોની રાજીનામાંની ચિમકીનાં પગલે પાલિકાને આ કાર્યવાહી કરવાની ફરજ થઈ પડી છે. ચીફ ઓફીસર દ્વારા 16 મિલકતોની રજા ચીઠ્ઠીના બદલે 48 મિલકતોની અરજી મંજૂર કરાઈ હોવાનાં સભ્યો દ્વારા આક્ષેપો થયા હતા. અત્રે વર્ષોથી બિનઅધિકૃત બાંધકામ અને શરત ભંગને લઈ વિવાદમાં રહેલ શ્રી લાભેશ્વર ડેવલોપર્સ પેઢી (ઉગમ)ના ભાગીદારોની મિલકત હજુ સુધી પાલિકાની કોઇ નક્કર કાર્યવાહી જોવા મળી નથી.

વ્યારા પાલિકાના વેરા વસૂલાત અને આકારણી સમિતીના ચેરમેન અને સદસ્યોએ ગત બે દિવસ અગાઉ ચિફ ઓફિસર શૈલેષભાઇ પટેલને વ્યારાના એક બિન અધિકૃત બાંધકામને પ્રોત્સાહન આપતા વિવાદિત ઠરાવને રદ્દ કરવા અંગેની લેખિતમાં ફરિયાદ કરી હતી. તા.27મી સપ્ટેમ્બરે આકારણી સમીતીની મીટીંગમાં ઠરાવ નં.22 જાણ બહાર કરી બિલ્ડરની કેટલીક ગેરરીતિને છાવરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વ્યારા નગરપાલિકા હસ્તકની આકારણી સમીતિ છેલ્લા 8 માસથી વિવાદમાં છે. બારોબાર વિવાદિત ઠરાવ કરી ફરી એકવાર આ સમિતી વિવાદમાં મુકાઇ હતી. લાભેશ્વર ડેવલોપર્સ (ઉગમ) પેઢીના ભાગીદારોના કુલ 48 મિલકતનો પણ સમાવેશ થાય છે. લાભેશ્વર ડેવલોપર્સ (ઉગમ) પેઢીના ભાગીદારોને કુલ 8 દુકાનો તથા 8 રહેણાંકના ફલેટ માટે કુલ 16 ફલેટનું બાંધકામ કરવા પરવાનગી આપવામાં આવી છે. વ્યારા પાલિકા સામાન્ય વ્યક્તિઓ નાની ભૂલો પર નિયમો બતાવી કાર્યવાહી કરી લેતી હોય છે. ત્યારે વિવાદિત ઠરાવ માટે નગરપાલિકા દ્વારા તટસ્થતા દાખવી તપાસ હાથ ધરવી જોઈએ એ જરૂરી છે.પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આકરણી સમિતિના મિટિંગમાં કરાયેલો ઠરાવને હાલ રદ કરી દેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...