મા તો મા જ હોય તે પ્રાણી હોય કે મનુષ્ય:પાણીની કુંડીમાં પડી ગયેલા એક દિવસના દીપડીના બચ્ચાનું બે દિવસ બાદ માતા સાથે મિલન, માતાનો પ્રેમ CCTVમાં કેદ

વ્યારા8 મહિનો પહેલા
શાકભાજીના કેરેટમાં મૂકેલા બચ્ચાંને દીપડી આવી ખેતરમાં લઇ ગઈ
  • સોનગઢ તાલુકાના કનાળા ગામના ખેતરમાં દીપડીનું બચ્ચું પાણીની નાની કુંડીમાં પડી ગયું હતું, ખેડૂતે જોતા વનવિભાગને જાણ કરી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કનાળા ગામમાં ખેડૂતના ખેતરમાં ખેડૂત દ્વારા નાની કુંડી બનાવી હતી. જેમાં ગત બે દિવસ અગાઉ રાત્રે એક દિવસનું નવજાત બચ્ચું પડી ગયું હતું. બીજા દિવસે ખેડૂત ખેતરમાં ગયા હતા જ્યાં તેને કુંડી નજીકથી કંઈક અવાજ આવતા જોવા ગયા હતા. જે દરમિયાન દીપડાનું બચ્ચું હોવાનું જાણવા મળતા સોનગઢ આરએફઓ અને ટીમને જાણ કરી હતી. વ્યારા વનવિભાગના ડીએફઓ આનંદકુમારએ બનાવની જાણ થતાં તેમને મોકલી કુંડીમાંથી બચ્ચુંને બહાર કાઢયું હતું અને પ્રાથમિક સારવાર કરાવી હતી.

બીજી તરફ વનવિભાગ દ્વારા બચ્ચું નાનું હોય જેને લઇને માતા તોફાની બને અને વિસ્તારમાં નુકસાન પહોંચાડે એવી શક્યતા સેવાઇ રહી હતી. જેને લઇને બચ્ચાને ફરી માતાને મળે તજવીજ હાથ ધરાઇ હતી. વ્યારા વન વિભાગની ટીમ દ્વારા કનાળા ગામે જ્યાંથી બચ્ચું મળ્યું તે વિસ્તાર પાસે રાત્રિ દરમિયાન કેમેરા ગોઠવી દેવાયા હતા અને એક શાકભાજીના કેરેટમાં બચ્ચું મૂકી દેવાયુ હતુ. રાત્રિ દરમિયાન દીપડીએ કેરેટમાંથી પોતાનું બચ્ચું લઈ ફરી શેરડીના ખેતરોમાં પલાયન થઈ ગઈ હતી.

એક દિવસનું માદા બચ્ચું હોવાનું જાણવા મળ્યું
વ્યારા વન વિભાગની ટિમને જાણ થતાં બચ્ચાંનો કબ્જો મેળવી લીધો હતો. એક દિવસનું માદા બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ કરાવી તાત્કાલિક તેની મા સાથે મિલન કરાવી દેવાયું હતું.
- આનંદકુમાર, ડીએફઓ,વ્યારા

દીપડી બચ્ચાંને લઇ ગઇ તે સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ
વન વિભાગની ટીમ દ્વારા જે સ્થળે દીપડીનું બચ્ચું છોડવાના હતા ત્યાં આજુબાજુમાં કેમેરા ગોઠવી દેવાયા હતા જેથી રાત્રિ દરમિયાન દીપડી આવી અને તેના બચ્ચાને સહી સલામત લઇ સમગ્ર બનાવ કેમેરામાં કેદ થઈ ગયો હતો.