સાકર (ખાંડ) ઉદ્યોગ સાથે સંકળાયેલા સાહસિકોને દરવર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. પુણે ખાતે આવેલા બેનર રોડ પરના રાજભવન કોમ્પલેક્સના યશાદા ઓડિટોરીયમ ખાતે ધ ડેક્કન સુગર ટેક્નોલોજીસ્ટ એસોસિએશનની વાર્ષિક સભામાં ચારેક દાયકાથી સુગર ઉદ્યોગમાં સેવા આપનારા હસમુખભાઈ ભક્તાના કાર્યને બિરદાવવાની સાથે તેમને સાકર ઉદ્યોગ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં. સુગર ઉદ્યોગને નવી દિશા અને ઉંચાઈ પર લઈ જવા પ્રદાન કરનારા હસમુખભાઈ ભક્તાનો જાહેર મંચ પરથી આભાર વ્યક્ત કરાયો હતો.
કપુરા ગામના હસમુખભાઈ ભક્તએ પોતાની કારકીર્દીની શરૂઆત કપુરા વિભગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 1971થી ફાઉન્ડર મેમ્બર મંત્રી તરીકે કરી હતી. દૂધ મંડળીમાં 1978-79થી 1998-99 સુધી એટલે પૂરા 20 વર્ષ સુધી પ્રમુખપદે રહીને સફળ સંચાલન કર્યું હતું. જેની સાથે દક્ષિણ ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી સક્રિય કામગીરી કરતાં રહ્યાં છે. 1988થી 2015 સુધી હસમુખભાઈ મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સાથે 28 વર્ષ સુધી એક્ઝીક્યુટીવ ડિરેક્ટર તરીકે સેવા આપી સાથે મઢી ખેડૂત સહકારી જીન ના પ્રમુખ તરીકે દોઢ દાયકો કાર્યરત રહ્યાં હતાં.
વર્ષ 2008માં રીહેબીટેશન થયેલ કોપર કો.ઓપ.સુગરમાં માનદમંત્રી તરીકે સેવા કરી રહ્યા છે. વાલોડ સુગર ફડચામાં જતા ચલથાણ, બારડોલી, મઢી મહુવા અને કામરેજ મળી પાંચ સુગર ફેક્ટરીઓએ કોપર કો.ઓપ.સુગર ચાલુ કરી હતી. જેમનું સુકાન હસમુખભાઈની આગેવાનીમાં રીહેબીટેશન થયેલ સુગર સફળતાપૂર્વક ચાલી રહી છે.
ભારતમાં પ્રથવાર બંધ પડેલ સહકારી સુગર ફેક્ટરીને સહકારીમાં જ સહકારી મીલો દ્વારા ટેઈક ઓવર કરી સફળતાપૂર્વક સંચાલીત કરી, ઈન્કમટેક્સના પેચીદા પ્રશ્નો હોય કે, શેરડીના ભરેલા વેટ ઉપર વર્કિંગ કેપીટલ 7 ટકા વ્યાજ રાહત લોન તમામ મુદ્દે વડાપ્રધાનથી લઈને રેવન્યુ સેક્રેટરી અને ગુજરાત સરકાર સહિતનાને રજૂઆત કરીને સફળ કામગીરી કરી હતી. ખાંડ ઉદ્યોગ દ્વારા સાકર ઉદ્યોગ ગૌરવ પુરસ્કાર એનાયત થતાં સહકારી ક્ષેત્રનું વધુ એક સન્માન થયું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.