વેક્સિનેશન ઝૂંબેશ:અફવાઓથી દૂર રહી તમામે વેક્સિન લઈ સુરક્ષિત થવું જરૂરી- પોલીસ વડા

વ્યારા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તાપી જિલ્લા પોલીસ વડાએ રસીકરણનું મહત્વ સમજાવી લોકોને પ્રોત્સાહન આપ્યું હતું. - Divya Bhaskar
તાપી જિલ્લા પોલીસ વડાએ રસીકરણનું મહત્વ સમજાવી લોકોને પ્રોત્સાહન આપ્યું હતું.
  • તાપી જિલ્લામાં કલેકટર અને પોલીસ વડાની ઉપસ્થિતિમાં વેક્સિનેશન ઝૂંબેશ

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટીચકીયા,વાલોડ તાલુકાના બાજીપુરા અને વ્યારા તાલુકાના ઘાટા ગામે ખાતે કલેકટર આર. જે. હાલાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક સુજાતા મજમુદારની ઉપસ્થિતિમાં ઝૂંબેશ સ્વરૂપે વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઇ રસીકરણની કામગીરીને વેગવાન બનાવી હતી.

કલેકટર આર.જે.હાલાણીએ લોકોને વેક્સિન વિશેની ભ્રામક વાતોથી દૂર રહી ખોટી માન્યતાઓમાં ન દોરાવા અપીલ કરી હતી. સાથે સોશિયલ મીડિયાના ખોટા મેસેજ મળે તો આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રને જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો. વધુમાં આપણાં વૈજ્ઞાનિકોએ રાત દિવસ મહેનત કરીને વેક્સિન બનાવી છે. પરીક્ષણો બાદ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર એવા આરોગ્ય વિભાગના ડોકટરો,નર્સો તથા આરોગ્ય કર્મચારીઓએ સૌપ્રથમ વેક્સિન લીધી છે . તાપી જિલ્લો સો ટકા રસીકરણયુક્ત થાય તે માટે આહ્વાન કર્યું હતું.

તાપી જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે ટીચકીયા ગામના લોકોને સમજ આપતા જણાવ્યું હતું કે વેક્સિનથી કુટુંબનો બચાવ થશે. આપણાં પરિવારજનો, મિત્રો, સગા-સબંધી તમામને વેક્સિન લેવા જણાવો.જેમણે વેક્સિન લીધી છે તેઓ સુરક્ષિત છે. કોરોના કહેરથી બચવા માટે અનેકવિધ પગલાઓ લેવાયા છે. કોરોનાની ભયાનકતા સામે ઝઝુમવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્રના માધ્યમથી તમામ લોકોની તંદુરસ્તી જળવાય તે માટે જહેમતભરી કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના સામે ઢાલની જેમ રક્ષણ આપતી વેક્સિન તમામ લોકો સુધી પહોંચે અને લોકો સુરક્ષીત બની જાય તે માટે સરકાર કટીબધ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...