તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા (જિલ્લા સેવા સદન) ખાતે રાજ્યના કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ અને તાપી જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની હાજરીમાં કોવિડની ત્રીજી લહેર સામે આગોતરા આયોજન તથા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રી મુકેશ પટેલે ટ્રાઈબલ વિસ્તારમાં આરોગ્ય વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે વેક્સિનેશનની ખૂબ સારી કામગીરી થવાના કારણે કોરોનાની ખાસ કોઈ અસર નથી. છતા હજુ પણ ત્રીજા વેવને ધ્યાનમાં રાખીને કોઈપણ જાતની કચાશ ન રાખીએ. આપણા બોર્ડર વિસ્તારમાં વધુ ટીમો સજ્જ રાખીએ અને આજુબાજુના જિલ્લાના સંપર્કમાં રહીને તેમના ડેટા પણ એકત્ર કરવામાં આવે જેથી આપણી કામગીરી કરવામાં સરળતા રહે. પ્રભારી સચિવશ્રી પી.સ્વરૂપ (IAS) એ ઉપયોગી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોરોનાની રફતારને ઓછી કરવા માટે સરકારશ્રીની સૂચના મુજબ બીજી લહેરની જેમજ તૈયાર રહો. હોસ્પિટલોમાં મેન પાવર માટે સત્વરે કાર્યવાહી કરવાની રહેશે.
ઓક્સિજનની અછત ન સર્જાય તે માટે તકેદારી રાખવાની રહેશે. વધુમાં દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે ફરજીયાત એન.ઓ.સી.મેળવવાની રહેશે. જેમાં કોઈપણ પ્રકારની છુટછાટ નથી. જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડીયાએ જણાવ્યું હતું, કે જિલ્લામાં એક સરકારી હોસ્પિટલ છે. દરેક જગ્યાએ CHC / PHC નેટવર્ક છે. વ્યારા ખાતે બે લેબોરેટરીની આવશ્યકતા છે. જેમાં એક સ્પેશ્યાલીસ્ટ, એક લેબ ટેકનીશ્યન અને એક કોમ્પ્યુટર ઓપરેટર હોવા જોઈએ. જિલ્લા પોલીસ વડા સુજાતા મજમુદારે જણાવ્યું હતું કે માસ્ક માટે લોકોને જાગૃત કરાય છે. લોકજાગૃતિ માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. પોલીસ વિભાગ દ્વારા સ્થાનિક બોલીમાં ગીતો તૈયાર કરી કોરોના જાગૃતિ અભિયાન કરવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.