વિરોધ:પાર-તાપી-નર્મદા રીવરલિંક યોજનાનો વિરોધ : વ્યારામાં હજારો આદિવાસી રસ્તા પર ઉતર્યા

વ્યારા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યોજનાનું ખાતમુહૂર્ત થશે તો આપઘાત કરી લઇશ : અમરસિંહ ઝેડ ચૌધરી

ડાંગથી તાપી પાર નર્મદા રિવર પ્રોજેક્ટના વિરોધનો સૂર આજે તાપી જિલ્લાના વ્યારામાં પણ ઉઠ્યો હતો. આદિવાસી એકતા મંચના નેજા હેઠળ વ્યારા ખાતે પાંચ ધારાસભ્ય એક પૂર્વ મંત્રી એક પૂર્વ સાંસદ સહિત વિવિધ સંસ્થાના આગેવાનોની અધ્યક્ષતામાં વ્યારામાં બિનરાજકીય મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. રેલીમાં ઉગ્ર વિરોધ સાથે તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પાર તાપી નર્મદા યોજનાના પ્રોજેક્ટનો સખત વિરોધ ઉઠાવ્યો હતો અને કોઈપણ સંજોગોમાં આ યોજનાનું કામ ચાલુ ન કરવા માટે જણાવી દેવાયું હતું.

પાર તાપી નર્મદા રિવર યોજના અંતર્ગત વિવિધ ગામોમાંથી પસાર થવાની છે. જેને લઇને તાપી જિલ્લામાં 32 જેટલા ગામો અસરગ્રસ્ત થવાના છે, જેના વિરોધ પ્રદર્શનમાં આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે આદિવાસી એકતા મંચના નેજા હેઠળ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી, પૂર્વ સાંસદ અમરભાઈ ઝેડ ચૌધરી, વ્યારાના ધારાસભ્ય પુનાજી ભાઈ ગામીત, સોનગઢના ધારાસભ્ય સુનિલ ભાઈ ગામીત, વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલ માંડવીના ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી, વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી તેમજ આગેવાનો જીમ્મીભાઈ પટેલ, યુસુફ ગામીત, નિલેશ કે.ગામીત સહિત વિવિધ જિલ્લા ની સંસ્થા ના આગેવાનો અને સ્થાનિકો મોટી સખ્યાંમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિવિધ આગેવાનોએ તાપી પાર લિંક યોજના અંગે વિરોધ કરી એક જૂથ થવાની હાકલ કરી યોજનાનો વિરોધ કર્યો હતો.આદિવાસી એકતા મંચના નેજા હેઠળ વ્યારામાં આદિવાસીઓએ ભગવાન બિરસામુંડાની પ્રતિમાને શ્રદ્ધા સુમન અર્પણ કરી સરકાર વિરૂધ્ધ સુત્રોચાર સાથે નગરમાં વિશાળ રેલી કાઢી હતી. જે જિલ્લા સેવા સદન સામે મહાસભામાં ફેરફાઇ હતી. જેમાં પાર- તાપી- નર્મદા રીવરલીંક યોજનાને લઈ ભારે વિરોધ વ્યક્ત કરાયો હતો. રાજયમાં આદિવાસીઓનાં સંવૈધાનિક અધિકારો તેમજ આંતર રાષ્ટ્રિય માનવ અધિકારોનું સરકાર દ્વારા હનન કરનારી તેમજ પ્રકૃતિ અને આદિવાસીઓનાં અસ્તિત્વ સામે જોખમી ગણાવી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને વિરોધનો સૂર ઉઠાવ્યો હતો.

કલેક્ટરને આવેદનમાં જણાવ્યુ હતુ કે આદિવાસીઓનું શોષણ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. જેનું તાજેતરનું ઉદાહરણ એટલે સૌથી પહેલો હુમલો આદિવાસીઓ અને પ્રકૃતિ (પર્યાવરણ) પર થઈ રહયો છે. દક્ષિણ ગુજરાતની નદીઓ જોડી પાણીને નર્મદા યોજના સુધી લઈ જવાની પાર-તાપી-નર્મદા રીવરલિંક યોજના સંવિધાનની અનુસૂચિ 5, પૈસા કાનુન 1996, વન અધિકાર કાયદો-2006 તેમજ જમીન સંપાદન કાયદો-2013નો ઉલ્લંઘન કર્તા છે.

સરકાર દ્વારા સંભવિત નુક્શાનની કિંમત ઓછી આંકીને થનાર સંભવિત લાભોની કિંમત વધારે દર્શાવી સદર યોજનાનાં આંકડાઓ મુક્વામાં આવ્યા છે. વાર્ષિક 572 કરોડના ખર્ચ (વર્ષ 2004-2005નાં ભાવ પ્રમાણે) સામે વાર્ષિક 618કરોડની આવક એટલે કે 1 રૂપિયાનાં ખર્ચની સામે આવક 8 પૈસા દર્શાવેલ છે તે પણ અશક્ય છે. ડાંગ જિલ્લામાં સાપુતારાને પ્રવાસન ધામ તરીકે આદિવાસીઓને રોજગારી મળશે તેવા વાયદાઓ કરીને વિકસાવામાં આવ્યું, તેમા જેમણે જમીનો ગુમાવી છે તેમને આજદિન સુધી જમીન ફાળવવામાં આવી નથી.

પાર- તાપી- નર્મદા રિવરલિંક યોજના થકી હજારો આદિવાસીઓ જમીન ગુમાવશે. હાલ ગુજરાતમાં સમૃદ્ધ જંગલો ડાંગ, વલસાડ, નવસારી, તાપી તેમજ નર્મદા જીલ્લામાં બચ્યા છે. દેશ તેમજ દુનિયા આજે ગ્લોબલ વૉર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ યોજના થકી ગુજરાતનાં સૌથી સમૃદ્ધ જંગલો સામે જોખમ ઉભુ થશે. હાલ તાપી નદી પરનાં ઉકાઈ તેમજ કાકરાપાર ડેમ થકી દક્ષિણ ગુજરાતની 5.70 લાખ હેકટર જમીનને સિંચાઈ માટે પાણી મળે છે.

ઉપરાંત દક્ષિણ ગુજરાતની બારેમાસ વહેતી નદીઓથી બીજી હજારો હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળે છે. પરંતુ પાર- તાપી- નર્મદા રિવરલિંક યોજનાથી દક્ષિણ ગુજરાતની નદીઓનું પાણી નર્મદા ડેમની નહેરોમાં નાંખવાથી દક્ષિણ ગુજરાતમાં સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીની તંગી ઊભી થશે. દક્ષિણ ગુજરાતની નદીઓનું વહેણ બંધ થવાથી નદીઓ ગટરમાં રૂપાંતરીત થશે. પાણી પીવા લાયક રહેશે નહિં.

સમયાંતરે દક્ષિણ ગુજરાતની સામાજીક , આર્થીક તેમજ પ્રાકૃતિક સમૃદ્ધિ નાશ પામશે. સરકારનાં દાવા મુજબ નર્મદા યોજનાનાં લાભ ક્ષેત્રની 1.17 લાખ હેક્ટર તથા નવી બીજી પર હજાર હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળશે. આમ, દક્ષિણ ગુજરાતની 5.70 લાખ હેકટર જમીનની નહેરોથી થતી સિંચાઈ તથા બારેમાસ વહેતી નદીઓના પાણીથી થતી હજારો હેકટર જમીનની સિંચાઈનાં ભોગે આ યોજના બનશે. 401 કિ.મી. લાંબી નહેર દક્ષિણથી ઉત્તર તરફ જશે, દક્ષિણ ગુજરાતની નદીઓના વરસાદનું પાણી પૂર્વેથી પશ્ચિમ તરફ વહે છે.

એટલે કે, પાણીનાં કુદરતી વહેણને રોકીને આવડી મોટી નહેર બનશે. જેને લીધે વચ્ચે આવતા વનવગડા, મેદાનો તેમજ ખેતરોમાં તે આડબંઘનું કામ કરશે. તેથી કેટલીયે જમીન વરસાદની ઋતુમાં પાણીનું કુદરતી વહેણ નહેરનાં કારણે રોકાતાં પાણીમાં ડુબેલી રેહશે. વળી, નહેરથી જમીન ના ટુકડા થઈ જશે અને એક તરફથી બીજી તરફ જવા માટે ખેડુતોને બે થી ત્રણ કિ.મી.નો ચકરાવો ખાઈને ખેતી કરવા જવું પડશે. નદીઓ પર ડેમ બાંધવાથી દરીયામાં જતાં મીઠાં પાણીનાં જથ્થામાં ઘટાડો થવાથી કુદરતી રીતે માછલીનું ઉત્પાદન ઓછું થઈ જશે અને માછીમારોની રોજી રોટી છીનવાઈ જશે.

નદીમાં પાણી ઓછું થવાથી દરીયાની ભરતીને કારણે દરીયાનું પાણી નદીઓમાં આગળ વધશે તે વિસ્તારનાં બોર અને કૂવાનાં પાણી ખારાં થશે. અંદાજે 19000 એકર જંગલ ડુબમાં જવાથી પર્યાવણને વ્યાપક નુકશાન થશે. આ યોજના માટે બનનાર બંધો થકી 75 ગામના 35000 જેટલા લોકો વિસ્થાપિત સહિત અસરગ્રસ્ત થશે.

અનેક આગેવાનો આકરા પાણીએ
વ્યારા વિવિધ આગેવાનો સહિત લોકોએ પોતાના વક્તવ્ય આપ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ અમરસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પાર- તાપી- નર્મદા રીવરલીંક યોજના ખાતમૂહૂર્ત કરશે તો હું આપઘાત કરીશનું જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...