• Gujarati News
  • Local
  • Gujarat
  • Tapi
  • In Chichbardi School, If The Water Brought From Home Of 38 Students Is Exhausted, They Have To Leave Education And Go Home To Fetch Water.

નપાણિયું તંત્ર:ચીચબરડીની શાળામાં 38 ભૂલકાંનું ઘરેથી લાવેલું પાણી પૂરૂં થઈ જાય તો, શિક્ષણ છોડી પાણી લેવા ઘરે મુકવી પડે છે દોટ

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વ્યારા તાલુકાના ચિચબરડીની શાળામાં ખાલીખમ ટાંકીમાંથી પાણી નીકળવાની આશાએ ઊભેલા બાળકો. - Divya Bhaskar
વ્યારા તાલુકાના ચિચબરડીની શાળામાં ખાલીખમ ટાંકીમાંથી પાણી નીકળવાની આશાએ ઊભેલા બાળકો.
  • એક સમયે મુખ્યમંત્રીએ દત્તક લીધેલાગામની શાળાના બાળકો 3 માસથી પાણી વિના ટળવળે છે
  • શાળામાં મસમોટી ટાંકી તો મુકી દેવાઇ પણ તેમા ટીપું પાણી નથી અને હેન્ડપંપનું પાણી પીવા લાયક નથી

સૌ કોઈ ભણે, સૌ આગળ વધે, તેવું સૂત્ર સરકારે આપ્યું છે, જલ જીવન મિશનમાં હર ઘર જળ મિશનમાં સરકારી શાળાઓમાં નળથી પાણીની સુવિધા આપવા અંગેની માર્ગદર્શિકા પણ હોવાનું જાણવા મળેલ છે. પરંતુ તાપી જિલ્લાના ચિચબરડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા જ સરકારના અધિકારીઓ પુરી પાડી શક્યા નથી. શાળામાં ટાંકી છે, નળ છે, પણ પાણી નથી આવતું. હેડપંપની સુવિધા ખરી પરંતુ પાણી પીવા લાયક નથી.

શાળાના વિદ્યાર્થીઓ પીવાનું પાણી ઘરેથી લાવ્યા હોય, અને પૂરું થઈ જાય એટલે ફરી ઘરે લેવા જવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે સરકારની યોજનાના મોટા મોટા સૂત્રો ગામના દેશના ભાવિ ભવિષ્ય માટે કેટલા યોગ્ય કહી શકાય. વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી માટે ગામના આગેવાનએ શેક્ષણિક વિભાગ સહિત વારંવારની રજુઆત પણ પોકળ સાબિત છે. છેલ્લા 2 માસથી શાળાના 38 બાળકો પાણીની તકલીફનો સામનો કરી રહ્યા છે.

વ્યારા તાલુકાની પૂર્વ પટ્ટીમાં આવેલ સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ચિચબરડી ગામ એક સમયે મુખ્યમંત્રીનું દત્તક ગામ રહી ચૂક્યું છે, પરંતુ આ ગામની તાપી જીલા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પીવાના પાણીની સુવિધાના અભાવે જાન્યુઆરીથી તકલીફ ભોગવી રહ્યાં છે. શાળામાં ધોરણ 1 થી 5માં 38 જેટલા બાળકો અભ્યાસ કરે છે, પરંતુ અહીં બાળકોને પાયાની કહી શકાય તેવી પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ ઘરેથી જ પાણી ભરીને લાવતા હોય છે, જે પૂરું થતા જ ઘરે ફરી લેવા જવુ પડે છે.

હાલ ઉનાળામાં પડી રહેલ સખત ગરમીમાં પાણીની સમસ્યા વિદ્યાર્થીઓ માટે ગંભીર બની ગઈ છે. શાળા સંકુલમાં પાણીની ટાંકી સહિત નળની સુવિધા છે, પરંતુ પાણી જ નહીં હોવાથી બાળકો માટે રમવાના સાધન સિવાય કોઈ ઉપયોગમાં આવતા નથી. એક હેન્ડ પમ્પની સુવિધા છે, પાણી પણ આવે, પરંતુ આ પાણી પીવા લાયક નથી, જેથી શાળા શંકુલમાં ફૂલ છોડ માટે ઉપયોગમાં માત્ર કામ આવે છે.

શાળાના વિદ્યાર્થીઓ જાતે ફૂલ છોડને પાણી પીવડાવે છે, પરંતુ આ વિદ્યાર્થીઓને પીવાના પાણીની સુવિધા સરકારના મોટા અફસરો કરી શક્યા નથી. જે ગ્રામજનો માટે મોટી કમનસીબી કહી શકાય. શાળાના શિક્ષકોએ અને ગામના આગેવાનોએ વારંવારની રજુઆત કરવા છતાં પરિણામ 2 માસથી શૂન્ય છે.

શાળામાં પાણી પુરૂ પાડતો બોર ગત જાન્યુઆરીમાં સુકાઇ જતાં મોકાણ સર્જાઇ
પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં આવેલી ટાંકીમાં ચોમાસુ શિયાળામાં બહારથી બોરનું પાણી લાઈન કરી ભરવામાં આવતું હતું, પરંતુ જાન્યુઆરી માસમાં બોર સુકાઈ જતા સમસ્યા ત્યારબાદ ઉનાળાની ગરમીમાં ઉદભવે છે. આ સ્થિતિ હોવા છતાં સરકારી બાબુઓ વિદ્યાર્થીઓ માટે પીવાના પાણીની સુવિધાનો વિકલ્પ શોધી શક્યા નથી.

ઉપરીઓને જાણ કરી જ છે, પણ હજી ઉકેલ નથી આવ્યો
પ્રાથમિક શાળામાં પાણીની સમસ્યા છે. હેડપમ્પનું પાણી પીવા લાયક નથી. એ બાબતની જાણ ઉપરી અધિકારીને કરી જ છે. > સરમુખભાઈ ચૌધરી, આચાર્ય , પ્રાથમિક શાળા ચીચબરડી

​​​​​​​બાળકોને પીવાનું પાણી મળી રહે તેનું આયોજન કરવું ખુબ જરૂરી
મેં વ્યારા અને તાપી જિલ્લા પંચાયતમાં પણ રજૂઆત કરી છે. બાળકોને પીવાનું પાણી મળી રહે એ માટે આયોજન કરવું ખૂબ જરૂરી છે. > નિલેશભાઈ ગામીત, પંચાયત સભ્ય

પાણીની તકલીફ ચેક કરાવી યોગ્ય કાર્યવાહી કરાશે
વ્યારાના ચીચબરડી ખાતે પીવાના પાણીની તકલીફ હોય તો ચેક કરાવીને યોગ્ય આયોજન કરવામાં આવશે.> દિપકભાઈ દરજી, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમીક શિક્ષણ અધકારી, તાપી

અન્ય સમાચારો પણ છે...