વ્યારા તાલુકાનાં ઈન્દુ ગામે સડક ફળિયામાં રાજેંદ્રભાઇ ગામીતના ખેતરમાં આવેલ ઘર સામે ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ તાપીની કોર્ટે કરેલ પકડ વોરંટની બજવણી કરવા ગયેલ પો.સ.ઇ. બી.આર.ચૌધરી અને તેઓની સાથેના સહકર્મીઓ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. મહિલા પો.સ.ઇ. બી.આ૨.ચૌધરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢીક મુક્કીનો માર માર્યો હતો. મહિલા પોલિસ કર્મીને પીઠના ભાગે ઢીક મારી ધક્કો માર્યો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટ,તાપીના હથિયાર બંધીના જાહેરનામાનો પણ આરોપીઓએ ભંગ કર્યો હોય. સરકારી કામમાં રૂકાવટ સહિતનો ગુનો નોંધી પોલિસે વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ અંગે કાકરાપાર મહિલા પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન નમલાભાઇ ભીલ ને તા.13 મી એપ્રિલે વોરંટ બજવણીના કામે જી.આર. ડી હિનાબેન અર્જુનભાઈ ચૌધરી સાથે કાકરાપાર વિસ્તારના ઇંદુબ્રિજ નીચે આવ્યા. તે વખતે મહિલા પીએસઆઇ બી.આર.ચૌધરી અન્ય પોલીસ કર્મીઓ સાથે ત્યાં હાજર હોય. ત્યા ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ તાપીના કોર્ટના સી.સી. નં. 1750/2008ના કામે પકડ વોરંટના આરોપીઓ રાજેન્દ્રભાઇ નાનુભાઈ ગામીત, ઉર્મિલાબેન રાજેન્દ્રભાઇ ગામીત તથા કુસુમબેન ઉર્ફે કેસીબેન ચીમનભાઇ ગામીત (તમામ રહે.ઇંદુગામ તા.વ્યારા, જિ.તાપી)ને પકડવા માટે જવાનું જણાવ્યું હતું.
જેમાં આરોપી કુસુમબેન ઉર્ફે કેસીબેન ચીમનભાઇ ગામીત મરણ ગયેલ હોવાની સમજ આપતાં પીએસઆઇની સુચના સાથે આ પોલીસ કર્મચારીઓ સરકારી તથા ખાનગી વાહનમાં બેસી ઈન્દુ ગામની સીમમાં આવ્યા હતા. ત્યાં રાજેન્દ્રભાઈ નાનુભાઇ ગામીતના ખેતરમાં આવેલ ઘરે વોરંટના કામે તપાસમાં આશરે દશેક વાગ્યે ગયા હતા. તે વખતે વોરંટમાં જણાવેલ રાજેન્દ્રભાઇ નાનુભાઇ ગામીત તથા ઉર્મિલાબેન રાજેન્દ્રભાઈ ગામીત પોતાના ઘરે હાજર ન હતા.
ઘરે તેમનો છોકરો મળી આવ્યો હતો. પોલીસે નામઠામ પુછતાં તેણે પોતાનું નામ વિનોદ રાજેન્દ્રભાઇ ગામીત હોવાનું જણાવ્યુ હતુ. વોરંટમાં જણાવેલ આરોપીઓ વિશે પુછતાં તેઓએ મહિલા પીએસાઇ સાથે અસભ્ય વર્તન કરી, અપશબ્દ બોલવા લાગ્યો હતો. તે સમય અચાનક એક બહેન હાથમાં દાતરડું લઇ દોડી આવી હતી. મહિલા પીએસઆઇ બી.આર.ચૌધરી સહિતના પોલીસકર્મીઓ યુનિફોર્મમાં હોવા છતાં તેણી મહિલા પીએસઆઇ ને કહેવા લાગી કે તમે કોણ છો, તમે તો અમારા નોકર કહેવાય, તમોને અમારા ઘરે આવવાનો કોઇ અધિકાર નથી.
કહી અસભ્ય વર્તન કર્યુ હતુ. જેથી મહિલા પીએસઆઇએ પકડ વોરંટની સમજ આપી રહ્યા હતા.તે દરમિયાન મહિલા ગાળો બોલી કહેવા લાગી કે હવે પછી તમો પોલીસ અમારા ઘરે આવશો તો તમોને જાનથી મારી નાંખીશું. કહી તેણીએ પોતાના હાથ માનું દાતરડું ઉગામી પીએસઆઇને મારવાની કોશિશ કરતાં તેઓ સમય સુચકતા વાપરી ત્યાંથી ખસી ગયા હતાં. જેથી પીએસઆઇને દાતરડું વાગ્યુ ન હતુ.
પોલીસ કર્મીઓએ મહિલા ના હાથમાંનું દાતરડું ખેંચી ફેંકી દીધુ હતુ. ઉશ્કેરાય ગયેલી મહિલા એ પીએસઆઇ સાથે ઝપાઝપી કરી ઢીકમુકીનો માર મારવા લાગી હતી. જેથી પીએસઆઇને બચાવવા જતાં તેણીએ મહિલા પો.કો. રેખાબેન ભીલને પણ પીઠના ભાગે ઢીક મુક્કીનો માર મારી કપડા પકડી ધક્કો મારી દીધો હતો.
આ સમય વિનોદ પણ તેમને મારવા માટે દોડી આવ્યો હતો. ત્યાં હાજર પોલીસે તેને પકડી લીધો હતો. આ બંને આરોપીઓ જોર જોરથી અપશબ્દો પણ બોલતાં હોય. ગાડીમાં બેસાડી કાકરાપાર પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. તેણીએ પોતાનું નામ શર્મિલાબેન રાજેન્દ્રભાઇ ગામીત હોવાનું જણાવ્યુ હતું. વિનોદ ગામીત અને શર્મિલા ગામીતએ પોલીસના સરકારી કામમાં અડચણ ઉભી કરતા આ બંને વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
વોરંટમાં લખેલા નામોની પુછતાછ કરતાં બબાલ
કાકરાપારના ઇન્દુ ગામમાં અમારી ટીમ સાથે સરકારી ગાડીમાં વોરંટ બજાવવા ગયા હતા. ત્યારે સ્થળ પર વોરંટમાં આવેલા નામો અંગે પૂછતાછ કરતા ત્યાં હાજર મહિલા અને અન્ય ઇસમ અસભ્ય વર્તન કરતા હતા. મારી અને ટિમ સાથે ઝપાઝપી કરી હતી. સરકારી કામમાં અડચણ રૂપ બન્યા હતા. > બી.આર.ચૌધરી, પીએસઆઇ, કાકરાપાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.