ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે દક્ષિણ અને મધ્ય ગુજરાત ઝોનના અગિયાર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની એક વિશાળ રેલી જિલ્લા સેવા સદન ખાતેથી નીકળી ઉનાઈ નાકા થઈ દક્ષિણાપથ વિદ્યાલય સુધી હજારોની સંખ્યામાં કર્મચારીઓ ઉમટી પડી કોરોના વૉરીયર્સ સન્માનિત આરોગ્ય કર્મચારીઓએ સરકારના ઉદાસીન વલણ સામે રેલી બાદ મળેલ જાહેર સભામાં ઉગ્ર રોષ ઠાલવી પડતર માંગણીઓની તાકીદે નિવેડો આવે તેવી માગ કરી હતી.
રાજયની 33 જીલ્લા પંચાયતોના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ત્રીસ હજાર કરતા વધારે આરોગ્ય કર્મચારીઓના મહાસંઘના નેજા હેઠળ તા.29.3.22થી અસહકાર દાખવી પેન ડાઉન કાર્યક્રમ આપી ઓન લાઈન ઓફ લાઇન કોઈ પણ રિપોર્ટીગ બંધ કરેલું હોવા છતા આરોગ્ય મહાસંઘ સાથે કોઈ વાટાઘાટો કે બેઠક ન થતા તા.20.4.22ના રોજ વડોદરા ખાતે કારોબારી સભામાં ઝોન વાઈઝ રેલીઓનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો.
આરોગ્ય કર્મચારીઓના પંચાયત વિભાગના અન્ય કેડરો સરખી લાયકાત ધરાવતા હોવા છતા પગાર ધોરણમાં ઓછો ગ્રેડ પે આપી કોરોના વૉરીયર્સ સન્માનિત આરોગ્ય કર્મચારીઓને છેલ્લા ત્રણ વર્ષથી ઉપરાછાપરી આંદોલન કરવા છતા રાજ્ય સરકારે નિર્ણય લીધા બાદ ફેરવી તોળતા રાજ્ય ભરમાં કર્મચારી વિરોધી નીતિ સામે આક્રોશ ફાટી નીકળતા તેનો પડઘો વ્યારાની રેલી સ્વરૂપે જોવા મળ્યો હતો.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી ભાવેશ અમૃતિયા, મુખ્ય કન્વીનર સુરેશ ગામીતના જણાવ્યા મુજબ સાત કેડરોમાં ગ્રેડ -પે સુધારો, ક્ષેત્રીય ફેરણી ભથ્થા, કારોના કાળમાં જાહેર રજા અને રવિવારે બજાવેલ ફરજનુ ભથ્થુના આપવામાં આવશે તો આગામી દિવસોમાં પરિવાર સહિત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગાધીનગર ધામા નાખવા, અચોક્કસ મુદતની હડતાલ, સહિતના કાર્યક્રમો આપવાની કડવી ફરજ પડશે. તેવો આક્રોશ વ્યક્ત કરેલ છે.
આરોગ્ય કર્મીઓ સ્વયંભૂ ઉમટી પડ્યા
આરોગ્ય કર્મચારીઓની વાચા સાંભળી પડતર માંગણીઓ સ્વીકારે તેવી રજૂઆત વ્યારા ખાતે આ રેલીમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, આહવા-ડાંગના આરોગ્ય કર્મચારીઓ સ્વયંભુ ઉમટી પડ્યા હતા. તેમ તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ સુરેશભાઈ ગામીત, મંત્રી સંજીવ પટેલ, ઉપપ્રમુખ રોનક ચૌધરી એ એક સત્તાવાર નિવેદનમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.