ખળભળાટ:વ્યારા જનક હોસ્પિટલમાં સત્તાધીશો પર આમંત્રિત કારોબારી સભ્યએ ગોબાચારીના આક્ષેપો કરતા ચકચાર

વ્યારાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટનો ઉદેશ્ય સામાન્ય દર્દીઓને રાહત દરે સેવા આપવાનો છે, હર હંમેશ એ જ ઉદ્દેશ્યથી કામ થશે : હસમુખ ભકત

વ્યારાના ભુલાભાઈ જીવણજી પટેલ વૈધકીય ટ્રસ્ટનાં પ્રણેતા મહેંદ્રભાઇ શાહએ પોતાનાં પિતા જનકરાય શાહનાં નામ પરથી જનક હોસ્પિટલ ઉભી કરી છે. આ જનકરાય શાહનાં પુત્ર રાજીવ શાહ આ ટ્રસ્ટના કારોબારી તેમજ સામાન્ય સભ્ય પણ છે. ટ્રસ્ટ ત૨ફથી તા.૧૭મી એપ્રિલે યોજાનારી સામાન્ય સભાનો તેઓએ ટ્રસ્ટમાં વહીવટદારો પર ટ્રસ્ટીની નિમણુંકમાં ગેરરિતી અને વહિવટી ગોબાચારીનાં સીધા આક્ષેપો કરતા પંથકમાં ખળ ભળાહટ મચી જવા પામ્યો છે.

સામાન્ય સભા માટે ટ્રસ્ટી મંડળમાં હસમુખભાઈ ભકત, મહેશભાઈ શાહ, મહેરનોશ જોખી, દિનેશભાઈ પટેલ, અશોકભાઈ શાહનું નામ લખ્યુ છે. જે નામો પી.ટી.આર.માં જ નથી. જો ટ્રસ્ટીઓ વિશેનો કેસ ચેરીટી કમિશ્નરમાં ચાલતો હોય, ટ્રસ્ટમાં માત્ર એક ટ્રસ્ટી હયાત હોય તેમજ અન્ય ટ્રસ્ટીઓના નામો પી.ટી.આર. પર ન હોય તો ટ્રસ્ટીઓની નિમણુંક સામાન્ય સભામાં થઈ ન શકે, તેવા ગંભીર આક્ષેપો સાથેની રજુઆત ટ્રસ્ટનાં પ્રમુખને કરી છે. ઉપરોક્ત નવા ટ્રસ્ટીઓની નિમણુંક સામે તા.9/8/2021નાં રોજ રાજુ શાહે ચેરીટી કમિશનરને વાંધા અરજી આપી હતી. હજુ તેનો કેસ ચાલે છે.

ટ્રસ્ટ ધ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ફેરફાર રીપોર્ટ ભરાયો નથી. ગત વર્ષે ફેરફાર રીપોર્ટ દર ત્રણ વર્ષ લેખે આજ દિન સુધીના ભરવા ગયા હતાં પરંતુ રાજુ શાહની વાંધા અરજીના કારણે તે હજી સુધી મંજુર થયા નથી. રાજુ શાહે પ્રમુખને કરેલ રજુઆતમાંજણાવ્યુ છે કે છેલ્લી સામાન્ય સભા તા.15/12/19નાં રોજ બોલાવી ઉપરોકત 4 નામો ઉમેરાયા તેમજ ચેરીટીમાં કેસ ચાલતો હોય તેનો હુકમ ન આવે ત્યાં સુધી અન્ય ટ્રસ્ટીઓના નામ વાર્ષિક નિવેદનમાં છાપી ન શકાય, તે ગેરકાયદે છે.

ટ્રસ્ટના હેતુઓને લગતા ખર્ચ ધાર્મીક, કેળવણી, વૈદકિય, ગરીબોને મદદ, બીજા ધર્માદા હેતુ એમ લખી જોડાણ 10 મુજબ ખર્ચ રૂ.2,16,23,393 બતાવ્યું છે. પણ જોડાણ 10મા તેનો કોઈ ઉલ્લેખ નથી. સામાન્ય સભામાં સને 2019-20 અને 2020–2021ના નાણાંકીય વર્ષના ઓડીટ થયેલા હિસાબો મંજુર કરવા જણાવ્યુ છે. ચેરીટીમાં 2019-20 ના હિસાબ સભા બોલાવ્યા વગર અને સભ્યોને જાણ કર્યા વગર કેવી રીતે જમા કરાવ્યો, તે બંધારણની વિરુધ્ધ કરેલું કૃત્ય છે.

વધુમાં ઉમેર્યુ છે કે ટ્રસ્ટીઓ વિશેનો કેસ ચેરીટી કમિશ્નરમાં ચાલતો હોય ટ્રસ્ટમાં માત્ર 1 ટ્રસ્ટી હયાત હોય તેમજ અન્ય ટ્રસ્ટીના નામો પી.ટી.આર. પર ન હોય તો ટ્રસ્ટીઓની નિમણુંક સભામાં થઈ ન શકે. અગાઉ ફેરફાર રીપોર્ટ નામંજુર થયો હતો તે વર્ષોમાં પણ ટ્રસ્ટીઓની નીમણૂંક સામાન્ય સભામાં કરી નથી. જયારે ટ્રસ્ટમાં ટ્રસ્ટી મંડળની જ રચના થઈ ન હોય તો આ તબકકે આ બંધારણ બદલવુ યોગ્ય નથી. અન્ય કોઈ કારણસર બંધારણમાં સુધારો મંજુર કર્યો તો તેની બધી જ જવાબદારી ટ્રસ્ટી અને હોદ્દેદારોની રહેશે. તેવું રાજુ શાહે ટ્રસ્ટનાં પ્રમુખને જણાવ્યુ છે.

વહીવટદારોની ગોબાચારીનો ખુલાસો કરો
ગરીબોને સારવારમાં માફી કેમ અપાતી ન હતી તેવુ કારોબારીમાં પુછવામાં આવ્યુ હતું ત્યારે ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યુ હતુ કે હોસ્પિટલને કોઈ ગ્રાંટ મળતી નથી માટે આપણે કોઈ દર્દીને માફી કે બીલમાં રાહત આપી શકાય તેમ નથી. જ્યારે વાર્ષિક નિવેદનમાં ટ્રસ્ટને સરકાર તરફથી તેમજ અન્ય સંસ્થા તરફથી ગ્રાંટની રકમ મળે છે. તો ગરીબ દર્દીને માફી કેમ મળતી નથી. એનો ખુલાસો પ્રમુખ કરે. અહીં ગોબાચારી કરાતી હોવાનું ફલિત થતુ હોય ખુલાસો કરવા જણાવ્યુ છે. - રાજુભાઇ શાહ

2019માં નવા ટ્રસ્ટી નામ મૂકવામાં આવ્યા
જેમના અવસાન થયા છે. તેમના નામોની જગ્યાએ નવા ટ્રસ્ટીના નામો 2019ની બેઠકમાં મૂકવામાં આવ્યા છે. જે નામો સભાનાં અહેવાલમાં છપાયા છે. બીજું કે રાજુભાઈ જે આક્ષેપો કરે છે તેમાં એટલો ખુલાસો જ કરવો છે કે રાજુભાઈ ટ્રસ્ટના આમંત્રિત કારોબારી સભ્ય છે. 44 વર્ષથી કાર્યરત ટ્રસ્ટમાં ગોબાચારી થઈ નથી. ગરીબોની સેવા કરતી આવેલ છે. ગામ કે બહારની હોસ્પિટલના ચાર્જીસ અને આ હોસ્પિટલના ચાર્જીસની સરખામણી કરો તો એકદમ રાહત દરે સર્વિસ અપાય છે. ડોક્ટરો ફી પણ નોમીનલ છે. આ ટ્રસ્ટનો ઉદેશ્ય સામાન્ય દર્દીઓને રાહત દરે સેવા આપવાનો છે. હર હંમેશ એ જ ઉદ્દેશ્યથી કામ થશે. - હસમુખભાઈ ભક્તા, ટ્રસ્ટી

અન્ય સમાચારો પણ છે...