ઉજવણી:વ્યારામાં ગ્રામવન તેમજ પટ્ટી વાવેતરની ઉપજના 26.12 લાખના ચેકનું વિતરણ

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. - Divya Bhaskar
વ્યારામાં જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
  • વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે જિલ્લાકક્ષાનો 72મો વન મહોત્સવ યોજાયો

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં આજરોજ જિલ્લા કક્ષાનો 72 મો ‘વન મહોત્સવ’ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારંભના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવા, ઉદઘાટક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગ્રામવન તેમજ પટ્ટી વાવેતરમાંથી હાર્વેસ્ટીંગમાંથી થયેલી ઉપજ રૂા.26.12 લાખના ચેકોનું વિતરણ કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખએ સૌ તાપીજનોને 72 માં વન મહોત્સવની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, તંદુરસ્ત તનમાં તંદુરસ્ત મન નિવાસ કરે છે.

આપણાં જીવનમાં વૃક્ષનું ખૂબ જ મહત્વ છે. આઝાદી પહેલા 36 કરોડ માનવવસ્તી હતી. આજે 100 કરોડથી વધુ વસ્તી હોવાથી તેમની માંગણીઓ પુરી કરવા વધુ ઉદ્યોગો સ્થાપવા પડે. જેનાથી હવા, પાણી વિગેરેમાં પ્રદૂષણ વધે છે. જેથી સરકારે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. તે પૈકીનો 72મો વન મહોત્સવ રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ઉજવી રહ્યા છીએ. આદિવાસી વિસ્તારમાં વનનું અનેરૂ મહત્વ છે. આદિવાસી સમાજ પ્રકૃતિને પૂંજનારો સમાજ છે. વૃક્ષ ધરતીનું સંગીત છે. અને આકાશમાં વ્યાપેલી કવિતા છે.

આપણે સૌએ યોગ્ય માવજત કરી વૃક્ષોનું જતન કરવાનું છે. સમારંભના ઉદઘાટક ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતુ કે, દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તે માટે તત્કાલીન કેન્દ્રિય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીજીએ સને 1950માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરની ઉજવણીના લોકોત્સવ એવા ‘વન મહોત્સવ’નો પ્રારંભ કરાવ્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દરેક જિલ્લાઓમાં ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ માટે વન મહોત્સવની પહેલ કરી હતી.

મુખ્ય વન સંરક્ષક, આયોજન વર્તુળ, સુરતના જી. રમણમૂર્તિએ કોરોનાકાળમાં ઓક્સિજન વિના મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણા પ્રિયજનોને સૌપ્રથમ શ્રધ્ધાંજલી આપું છું. માત્ર વૃક્ષો જ ઓક્સિજન આપે છે તેની કોઈ ફેકટરી હોતી નથી. માટે દરેક કુટુંબોએ વૃક્ષ વાવવા જોઈએ. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાના જણાવ્યાનુસાર ગુજરાતમાં ઉત્તરોત્તર વનોમાં વધારો થઈ રહ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી ડો.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે પ્રત્યેક જન, પ્રત્યેક સમાજ વૃક્ષ વાવી સરકારના અભિગમને સાર્થક બનાવે. જન્મથી મૃત્યુ સુધી વૃક્ષ માનવ જીવન સાથે સંકળાયેલું છે. ધાર્મિક, સાંસ્કૃતિક, સ્વાસ્થ્ય, ઔષધિ કે શૃંગાર પ્રસાધન હોય તમામમાં વૃક્ષનું મહત્વ છે. પ્રકૃતિ, સમાજ સાથે જોડાયેલા વૃક્ષમાંથી આર્થિક ઉપાર્જન મેળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...