માંડવીને અડીને આવેલા વરેઠ ગામે રામેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરને પર્યટન સ્થળ તરીકે વિકસાવતાં મોટી સંખ્યામાં લોકો મંદિરે દર્શન કરી તાપીના તટ અને શીતળ જળમાં નાહવા ઉતરે છે. મંદિર નજીકથી તાપી નદીના વહેણમાં આવેલી ગોઝારી જગ્યા પર અનેક યુવાનો સહિત માણસો ડૂબીને મોતના મુખમાં ધકેલાયા છે. પરંતુ કમનસીબે તંત્રની લાપરવાહી આજપર્યત સુરક્ષા માટેના કોઈ જ પગલાં લેવાયા નથી. રામેશ્વર મંદિરે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતના ભાવિક ભક્તો અને સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે.
મંદિરની પડખે વહેતી તાપી નદીના વહેણમાં અનેક પર્યટકો સ્નાન કરે છે. તાપી નદીના વહેણમાં ઉપરવાસમાં જોખમી જગ્યા છે, પરંતુ જોખમી જગ્યાથી અજાણ્યા તરતા તરતા જોખમી જગ્યા તરફ પહોંચી જતાં આ ગોઝારી જોખમી જગ્યામાં ડૂબી જતાં મોત નીપજતા હોય છે. અત્યાર સુધીમાં અનેક દુર્ઘટનાઓ બની છે. જેમાં એક સાથે ત્રણ ચાર વ્યક્તિઓ ડૂબી મર્યાની ઘટના પણ બની છે. અવાર નવાર ડૂબીને મોતને ભેટવાની ઘટના બની હોવા છતાં તંત્ર દ્વારા સૂચન બોર્ડ મુકવા આવ્યા નથી. તંત્ર વહેલી તકે સાવધાની સૂચન બોર્ડ મુકી લોકોને ગોઝારી ઘટનાથી જાગૃત કરે એ જરૂરી છે.
અવરજવર વધુ રહેતા અકસ્માતોનું જોખમ
રામેશ્વર ખાતેના તાપી નદીના પટ વિસ્તારમાં એપ્રિલ- મે મહિનામાં ગરમીમાં ઠંડક મેળવવા સુરત સહિતના અન્ય વિસ્તારોમાંથી પર્યટકો આવે છે અને તાપીમાં કલાકો સુધી પડી રહે છે અને સ્વીમિંંગની મજા લે છે. નાહ્યા બાદ જમવાની વ્યવસ્થા સાથે આવતાં પર્યટકો તાપી કિનારે બેસી મજા લેતા હોય છે. ગરમીના દિવસોમાં આવા મુલાકાતીઓ વધુ આવતાં હોય છે. જેથી આ સમયે આવી દુર્ઘટનાઓ બનવાની પુરેપુરી શક્યતા રહેલી છે.
સાવધાની સૂચક બોર્ડ મુકવા જરૂરી
રામેશ્વર યાત્રાધામ નજીકના તાપી નદીના વહેણમાં રહેલા જોખમી જગ્યાથી પર્યટકો અજાણ હોય છે. સાવધાની સુચક બોર્ડનો પણ અભાવ છે જોખમી જગ્યા અંગે સાવધાની રાખવા માટે બોર્ડ મુકે તે જરૂરી છે. સાવધાની સૂચક બોર્ડના અભાવે અજાણ્યા લોકો અકસ્માતનો ભોગ બનતા રહે છે. આવનાર પર્યટકો ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ ન હોવાથી તેઓ નાહતી વેળાએ મોતના મુખમાં ધકેલાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.