લોકાર્પણ:વ્યારામાં 3.81 કરોડનું આંબેડકર ભવન ખુલ્લું મુકાયું

વ્યારા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારામાં આંબેડકર ભવનનું લોકર્પણ કરવામાં આવ્યું હતુ. - Divya Bhaskar
વ્યારામાં આંબેડકર ભવનનું લોકર્પણ કરવામાં આવ્યું હતુ.
  • આપણે સૌએ ડૉ.બાબાસાહેબના આદર્શ મૂલ્યોને ચરિતાર્થ કરવી જોઇએ : મંત્રી

વ્યારા ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા કેબિનેટ મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારના હસ્તે 3.81 કરોડ ના ખર્ચે બનેલા ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડિયા, પોલિસ વડા સુજાતા મજમુદાર ઉપસ્થિત રહ્યાં હતા. મંત્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સર્વ સમાજના સર્વાંગી વિકાસનો મક્ક્મ નિર્ધાર કર્યો છે.

અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્ર્મો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન બાંધવાની યોજના વર્ષ-1992થી અમલમાં મુકવામા આવી હતી. આજે તાપી જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને રૂપિયા 3.81 કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ભવનનું લોકાર્પણ કરતા આનંદ અને ગર્વ અનુભવુ છું. તેમણે ઉમેર્યું કે, આ ભવનના ભૂમિપૂંજનથી લઇ બાંધકામ પૂર્ણ થાય ત્યા સુધી અનુસૂચિત જાતિના લોકોએ અનેરો ઉત્સાહ અને સુઝબુઝ દાખવ્યા છે જે ગર્વની બાબત છે.

પોતાના સમાજ માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જ જોઇએ. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર એક મહાન વિભૂતિ હતા. આપણે સૌ ડૉ. બાબાસાહેબ આંબેડકરના આદર્શ મૂલ્યોને ચરિતાર્થ કરી જીવનમાં અપનાવીએ એ આજના સમયની માંગ છે.આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક બી.પી.ચૌહાણે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે, ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં રાજ્ય સરકારે આવા કુલ 23 ભવનોનું નિર્માણ કર્યુ છે.

તમામ સુવિધાઓથી ભરપુર આ ભવન લોકોના ઉત્કર્ષ માટે ઉપયોગી બની રહેશે. આ ભવનમાં સામાજીક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, સંમેલનો અને સમારંભોની ઉજવણી માટે તેમજ મીટિંગના હેતુ, સ્વૈચ્છિક સંસ્થાઓને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ દરથી ભાડે આપવામાં આવશે. આંબેડકર ભવન સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે. નાયબ નિયામક જ્યોત્સના સોલંકી દ્વારા આભારદર્શન કર્યુ હતું.