વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસહાય જૂથ(SHG)ની બહેનો માટે ખાસ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાનએ દેશના વિવિધ રાજ્યોમાં કાર્યરત સખી મંડળના જૂથ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ અન્વયે તાપી જિલ્લામાં વ્યારા સ્થિત ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવાની અધ્યક્ષતામાં ચેક સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વસહાય જૂથની બહેનોને રીવોલ્વીંગ ફંડ રૂપિયા 21.56 લાખ અને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ હેઠળ સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ.
સુરજભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહી છે. ગુજરાતની વિકાસ યાત્રામાં પણ મહિલાઓનો સક્રિય ફાળો રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા બહેનોઓને સ્વાવલંબી બનાવવા માટે 178થી વધુ મહિલા કલ્યાણલકક્ષી યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવી ખાસ કરીને વ્હાલી દિકરી યોજના, કુબરબાઇનું મામેરૂ, શિષ્યવૃતિ, ઉચ્ચ શિક્ષણ, ગંગાસ્વરૂપ યોજના જેવી અનેકવિધ યોજનાઓનો મહિલાઓએ વધુ લાભ લેવો જોઇએ તેમ જણાવી અંતરિયાળ વિસ્તારની બહેનો જેઓ સખીમંડળમાં સભ્ય બની વિવિધ પ્રવૃતિઓ દ્વારા નાની-મોટી રોજગારીથી આત્મનિર્ભર બની શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે ગ્રામ વિકાસ એજન્સી અને તંત્રની કામગીરીને બીરદાવી મહિલાઓને ખેતી અને પશુપાલન સાથે અન્ય પ્રવૃતિઓ દ્વારા વધારાની આવક મેળવી સ્વાવલંબી બનવા અનુરોધ કર્યો હતો. કલેકટર એચ. કે. વઢવાણિયાએ જણાવ્યું હતું કે, સ્વસહાય જુથનો ઉદભવ મહિલાઓને ગ્રામ્ય કક્ષાએ જુથ બનાવી વ્યવસાય, ઉદ્યોગ અને વિવિધ કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનાવવા થયો છે ત્યારે જિલ્લામાં સક્રિય સખી મંડળોની બહેનો આગળ આવી જાણકારી આપી બહેનો વિવિધ તાલીમોના માધ્યમથી રોજગારી મેળવી પગભર બને તે માટે અપીલ કરી હતી. બહેનોને કેંટીન, નર્સરી, ગૃહ ઉદ્યોગ, બામ્બુ બનાવટ, ખેતી, પશુપાલન, ભરતકામ, ડેરી ઉદ્યોગ, જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા આર્થિક રીતે વધારે સુદ્રઢ બનવા જણાવી સામાજિક સંગઠનના આગેવાનોને અંતરિયાળ વિસ્તારની મહિલાઓના સર્વાંગી વિકાસ માટે મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.