અંગ્રેજો સામે લાંબી લડત બાદ 1947માં આજના દિવસે દેશને આઝાદી મળી હતી. વર્ષો બાદ ફરી આખો દેશ આજના સમયે ફરી લડત આપી રહ્યો છે. પરંતુ આ વખતે જંગ કોરોના મહામારી સામે છે. દોઢ વર્ષથી વધુ સમયથી જનજીવનને બાનમાં લેનારા કોરોનાથી આઝાદી મેળવવા સમગ્ર દેશમાં વેક્સિનેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. હાલ તાપી જિલ્લામાં 22 ગામોમાં 100% રસીકરણ સંપન્ન થયું છે.બાકીના ગામોમાં સો ટકા રસીકરણ થાય એ માટે કામગીરી હાથ ધરી હતી.
તાપી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે કોરોના વેક્સિન ખૂબ જ મહત્વનું કામ કરે છે. તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ અને વહીવટ તંત્ર દ્વારા લોકોમાં વધુને વધુ વેક્સિન મુકાવે એ માટે ઘરે ઘરે જઇ લોકોને સમજાવી રહ્યા છે. શરૂઆતમાં પ્રથમ લહેરમાં તાપી જિલ્લો કોરોના મુક્ત જિલ્લાનું બિરુદ મેળવી ચૂક્યો છે. જોકે બીજી લહેરમાં તાપી જિલ્લામાં કોરોના એ પોતાનો કહેર વરસાવી દેતા માનવ જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. આરોગ્ય વિભાગ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતું. બીજી તરફ ત્રીજી લહેરને રોકવા માટે તાપી આરોગ્યની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
બહુતુલ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના સાત તાલુકા વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર અને કુકુરમુંડા અને ડોલવણમાં રસીકરણની કામગીરીને વેગ આપતા પુરજોશમાં આરંભી દીધું હતું. પરંતુ તેની સામે લોકોમાં ગેરમાન્યતાને કારણે આનાકાની સાથે પૂરતો સહયોગ ન મળતા આરોગ્ય વિભાગ મુશ્કેલીમાં મુકાયો હતો. સ્થનિકો વધુમાં વધુ કોરોના રસી મુકાવે એ માટે સ્થાનિક ભાષાઓમાં વિડિઓ, પેમ્પ્લેટ, ઠેર ઠેર નાટક કર્યા અને લોકોને જાગૃતિ માટે પ્રયત્ન કરતા સફળતા મળી હતી. તાપી જિલ્લામાં હાલ 540 ગામો પેકી 22 ગામોમાં 100 ટકા રસીકરણ થયું હતું.
રસીકરણ માટે સ્થાનિક ભાષામાં કરાયેલી અપીલ કારગર
આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવાથી લોકો સરળતાથી રસી મૂકવા તૈયાર થતા નથી. જેને લઇને આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ દ્વારા આદિવાસી લોકોને સરળતાથી સમજ પડે એ માટે સ્થાનિક ભાષામાં કોરોનાને લગતા સંદેશાઓ વિડીયો બનાવ્યા હતા. જેને લઈને કોરોનાની જાગૃતિ વધી ગઈ હતી.
વ્યારા નગરમાં પણ પુરજોશમાં વેક્સિનેશન શરૂ
વ્યારા નગરમાં વોર્ડ નંબર 5માં સ્થાનિક નગરપાલિકાના સભ્ય દ્વારા લોકોને જાગૃત કરીને આજરોજ કોરોના વેક્સિન કેમ્પ મલાયકૂવા પાસે રાખવામાં આવ્યો હતો. જેમાં 100થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી અને આવનારા સમયમાં હજુ લોકોને જાગૃત કરીને વધુમાં વધુ લોકોને વેક્સિન મૂકવામાં આવશે. એવું સ્થાનિક સભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. સભ્યોએ જણાવ્યું હતું કે અમારા આખા વોર્ડમાં એક પણ વ્યકિત વેક્સિન વગર બાકી ના રહે અને વોર્ડ કોરોના મુક્ત રહે એની તકેદારી રાખીશું. મેડિકલ ઓફિસર માધવીબેન પંડ્યા સહિતની ટીમનો આભાર વ્યક્ત કરાયો હતો.
તાલુકા મુજબ 100 ટકા વેક્સિનેશન થયેલા ગામ | |
તાલુકો | ગામ |
વ્યારા | 6 |
ડોલવાણ | 4 |
વાલોડ | 3 |
સોનગઢ | 5 |
ઉચ્છલ | 1 |
નિઝર | 3 |
કુકુરમુંડા | 0 |
ટોટલ | 22 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.