ઉજવણી:નારી ગૌરવ દિવસે 300 સખીમંડળોને 1 લાખની લોન સહાય

વ્યારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે માતા-બહેનોના હકની ચિંતા કરી છે, નારીનું સ્થાન સર્વોપરી છે, આજની સ્ત્રી અબળા નથી

વ્યારા નગરપાલિકા ટાઉન હોલ ખાતે આજરોજ રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ નારી ગૌરવ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ સૂરજભાઈ વસાવાએ રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે નારી ગૌરવ દિવસે નારીશક્તિનું સન્માન કરતા જણાવ્યું હતું કે જ્યાં નારી શક્તિનું પૂજન છે ત્યાં દેવતાઓ વાસ કરે છે.

કલેકટર એચ.કે.વઢવાણિયાએ મહિલા સશક્તિકરણ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલ અનેકવિધ યોજનાઓની જાણકારી આપીને નારી શક્તિને મજબૂત બનાવવા દિકરીઓને સંપૂર્ણ શિક્ષિત બનાવવા ઉપરાંત જાગૃત બની સરકારી યોજનાઓનો પુરેપુરો લાભ લઇ સ્વાવલંબી બની સમૃધ્ધ સમાજ અને રાષ્ટ્ર ઘડતરના પ્રવાહમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સખીમંડળોને રૂ. એક લાખ તેમજ વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરાયા હતા.

મહુવામાં સ્વસહાય જૂથની બહેનોને વિના વ્યાજે લોન
મહુવામાં અસ્મિતા ભવનમાં નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ ધારાસભ્ય મોહન ઘોડિયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે 10 સ્વસહાય જૂથની બહેનોને શૂન્ય ટકા વ્યાજે એક લાખ લેખે રૂા.10 લાખની લોન સહાયના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ જણાવ્યું હતું કે સરકારે છેવાડાના માનવી અને મહિલાઓને વિવિધ કલ્યાણકારી યોજનાઓના બહોળા લાભો આપ્યાં છે. મહિલાઓ પગભર થઇ શકે એ માટે ‘મહિલા ઉત્કર્ષ યોજના’ના અમલીકરણથી મહિલાઓ અને તેમના પરિવારોમાં સુખનો સુરજ ઉગ્યો છે. સરકારની મહિલાલક્ષી યોજનાઓથી મહિલાઓને આર્થિક પીઠબળ મળ્યું છે.

સશક્ત નારીએ તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે, જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મહિલાઓને સુશિક્ષિત, સુરક્ષિત અને જાગૃત બનાવવા જેન્ડર ઇક્વાલિટી પોલિસી ઘડી છે એમ જણાવી તેમણે મહિલા અને બાળ વિકાસ વિભાગની મહત્વની યોજનાઓ બેટી બચાવો યોજના, નારી ગૌરવ યોજના, બાલિકા સમૃદ્ધિ યોજના, કિશોરી શક્તિ યોજના, સ્વયંસિધ્ધા યોજના, વિધવા સહાય, તાલીમ યોજના, સરસ્વતી સાધના યોજના, ચિરંજીવી યોજના અને સખીમંડળ યોજનાઓ અંગે તલસ્પર્શી જાણકારી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...