તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોળાનો તહેવાર:આદિવાસી સમાજે ચૌવરી અમાસ પરંપરાગત રીતે ઉજવી

સોનગઢ/કુકરમુંડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ તહેવાર નિમિત્તે બળદોને શણગાર કરી એને નંદી સ્વરૂપે પૂજા કરવામાં આવે છે

સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં જુદા જુદા સ્થળે આદિવાસી સમાજ અને ખેડૂતો દ્વારા ચૌવરી અમાસના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ તહેવારનાં દિવસે ખેડૂતો દ્વારા બળદોનો શણગાર કરવામાં આવે છે અને તેમની પૂજા કરવાનો પણ મહિમા રહેલો છે. આ ચૌવરી અમાસનો તહેવાર તાપી જિલ્લાના સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા જેવા આદિવાસી વિસ્તારોમાં અને પાડોશમાં આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં પણ ખૂબ જ પ્રચલિત છે.

આ તહેવાર આવે તે પહેલા ખેડૂતો બજારમાંથી પોતાના બળદો માટે નાકમાં નાખવામાં આવતી નાથ અને શણગાર માટેની નવી ચીજવસ્તુઓ બજારમાંથી લઈ આવે છે. ડોસવાડા રહેતા માજી મંત્રી કાંતિભાઈ ગામિતે વધુ વિગત આપતા જણાવ્યું કે આજના દિવસે અમારા બળદોને અમે ભગવાન શિવના પોઠીયા નંદી તરીકે શણગાર કરી પૂજન કરીએ છે. આ વર્ષે સોમવારે સોમવતી અમાસ હોવાથી ચૌવરી અમાસનું મહત્વ વધી ગયું છે. જિલ્લાના આદિવાસી સમાજની માન્યતા મુજબ ખેડૂતો વહેલી સવારે બળદોને નવડાવી ધોવડાવી નવી નાથ પહેરાવે છે અને શણગાર કરી એની પૂજા કરે છે.

અમાસના દિવસે બળદને મીઠાઈ અને વાનગીઓ તથા સારો ઘાસચારો પ્રેમથી ખવડાવે છે તેમજ બળદને અન્ય કામમાં જોતરવામાં આવતા નથી. ચૌવરી અમાસના દિવસે ગામમાં શણગારેલા બળદો ફેરવવામાં આવે છે અને ગામની પાદરે હનુમાન મંદિરની પ્રદક્ષિણા કરી ભગવાનના દર્શન કરાવવાની પણ પરંપરા છે.

એ સાથે જ ખેડૂતો એક બીજાને ત્યાં વાનગીઓ મોકલતા હોય છે અને પરિવારની મહિલા પશુના કોઢની પણ પૂજા અર્ચના કરે છે તથા બળદના લાંબા આયુષ્ય માટે અને પરિવારના સુખ ,સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી બળદગાડા અને ખેતરની પણ પૂજા કરે છે. માન્યતા છે કે ખેડૂતને ખેતી કામમાં મદદરૂપ બનવા ભગવાન ભોળાનાથે બળદને આદેશ આપ્યો હતો.

કુકરમુંડામાં બળદોને શણગારાયા
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા દિવસે બળદ પૂજનનો તહેવાર ચૌૈવરી આમાસની ઉજવણી થાય છે.આખુ વર્ષ ખેતી કામોમાં બળદો પરિવારની મદદ કરે છે,જેથી બળદોને શણગારીને દેવ દર્શને લઇ જવામાં આવે છે.દર વર્ષે શ્રાવણ મહિનાનાં અંતિમ દિવસે ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા બળદોને હનુમાનદાદા અને નંદીબાબાનાં મંદીરની ફરતે ફરાવી પુંજા કરવામાં આવે છે. ત્યાર બાદ બળદોને ગામમાં ઘરે ઘરે ફેરવાય છે.

અન્ય સમાચારો પણ છે...