તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહાયથી વંચિત:ઊના ટીડીઓ પાસે સહાયની એક હજાર અરજી પેન્ડીંગ, લોકોને ધક્કા

ઊના7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટ ફાળવાતી ન હોવાથી 2 હજાર કરતા વધુ પરીવારો સહાયથી વંચિત
  • ઇન્ચાર્જ ટીડીઓ પાસે આયોજન જ ન હોવાનો સૂર ઉઠ્યો

તાઉતે વાવાઝોડાના 22 દિવસ પછી પણ દરિયાઇ પટ્ટીના 34 થી વધુ ગામોને સરકાર દ્વારા ચૂકવાતી સહાયની રકમમાં ભેદભાવની નિતી અપનાવાતી હોવાનું અને તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ પાસે આયોજનના અભાવે 1 હજાર કરતા વધુ અરજી પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે. પરિણામે લોકોને કચેરીના ધક્કા ખાવા પડે છે.

ઊના ટીડીઓ કચેરીમાં મકાનમાં થયેલા નુકસાનની સહાયની મોટાભાગની અરજીઓનો સર્વે થઇ ગયો છે. કેટલીક અરજીનો સર્વે કરવાનું બાકી છે. આ ઉપરાંત જેતે ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોની મિલકતોનો સર્વે કરવા ટીમો ગઇ ન હોય એવા ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાની નુકસાનીનો સર્વે કરવાની અરજી લઇ તાલુકા પંચાયતમાં આવે છે. એ સ્વીકારવામાં આવતી ન હોવાના કારણે અસરગ્રસ્તોને દરેક વિભાગની કચેરીમાં ભટકવું પડે છે. પંચાયત કચેરીના સુત્રોમાંથી એવી હકીકત બહાર આવી રહી છે કે, ગિર સોમનાથ સિવાયના બીજા જીલ્લામાં 7 દિવસની કેશડોલ સહાય ચૂકવી દીધી છે. ઊના તાલુકામાં પ્રથમ કેટલાક ગામડાઓમાં 7 દિવસના ચૂકવણા પેટે 5 હજાર કરતાં વધુ પરીવારોને રૂ. 80 લાખ કરતા વધુ રકમ ચૂકવાઇ. ત્યારબાદ જીલ્લાકક્ષાના અધિકારીઓની તમામ અસરગ્રસ્ત કાંઠાળ વિસ્તારના ગામોને 7 દિવસનું ચૂકવણું કરવા સુચન કર્યું. એ રકમ અંદાજે 5 કરોડ જેવી થવા જાય છે. એ આપવા ઊના તાલુકા પંચાયતે તા. 27 મે 2021 ના રોજ ડેપ્યુટી ડીડીઓને દરખાસ્ત કરી. પણ જિલ્લા કક્ષાએથી માત્ર રૂ. 1 કરોડ 25 લાખની ગ્રાન્ટ ફાળવાતાં દરેક ગામોને 3 દિવસનું કેશડોલ ચૂકવણું કરાયું હતું. જેમાં ભારે વિવાદ ઉઠ્યો છે. એવામાં મકાનની નુકસાનીની 1 હજાર કરતા વધુ અરજી કચેરીમાં પેન્ડીંગ છે. જીલ્લા કક્ષાએથી ગ્રાન્ટ ફાળવાતી ન હોવાના કારણે હાલમાં 2 હજાર કરતા વધુ પરીવારો સહાયથી વંચિત છે. અને તાલુકા કક્ષાએ ઇન્ચાર્જ ટીડીઓ પાસે કોઇ આયોજન ન હોવાથી હાલ અરજીનો નિકાલ થયો ન હોવાનું જાણવા મળ્યું છે.

ટીડીઓનું વર્તન વિવાદસ્પદ
ઊના-ગિરગઢડા તાલુકા પંચાયતમાં ઇન્ચાર્જ ટીડીઓની કામગિરી ઘણા સમયથી વિવાદાસ્પદ રહી છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ અસરગ્રસ્ત વિસ્તારોના કામોની રજુઆતો કરતા હોય તો તેને સાંભળતા નથી. અને અરજદારની સહાયની અરજીઓ પણ સ્વીકાર્યા બાદ તેનો નિકાલ કરતા નથી. નાયબ કલેક્ટર અસરગ્રસ્ત વિસ્તારની સમસ્યા માટે કચેરીએ બોલાવતા હોય છે તો પણ તેને પણ જવાબ આપતા નથી. તેઓ જિ.પં. કારોબારી ચેરમેન અને તા. પંચાયત પ્રમુખની વાતના પણ આંખ આંડા કાન કરતા હોવાથી જનતાના કામો ટલ્લે ચઢી ગયા છે. આથી તેમની સામે રોષ ઉઠી રહ્યો છે.

જિલ્લા પાસે ગ્રાન્ટ છે : ભાવેશભાઇ ઉપાધ્યાય
ઊના તાલુકામાં ગ્રાન્ટના અભાવે અસરગ્રસ્તોને સહાય ચૂકવાતી ન હોવા અંગે જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન ભાવેશભાઇ ઉપાધ્યાયે જીલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું કે, કેટલાક ગામોમાં રાજકિય પક્ષાપક્ષીના કારણે અસરગ્રસ્તોને સહાય ચૂકવાઇ નથી. અને તેના ફોર્મ સર્વે થયેલા પડેલા હોય તો ગ્રાન્ટ ફાળવવામાં આવે. બાદમાં ટીડીઓને આ બાબતે જીલ્લા કક્ષાએ વાત કરવા જણાવતાં તેમણે પ્રોટોકોલનો હવાલો આપી વાતને ટાળી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...