તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર સહાય ક્યારે આપશો?:ઊનામાં મૃતક દીકરીની 4 લાખ રૂપિયાની સહાયમાંથી પરિવારજનોની સારવાર; ઇજાગ્રસ્તો, સ્થળાંતરિતને સહાય નથી મળી

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનામાં 2 લાખનો ખર્ચ થયો

ઊનાનાં ચાંચકવડ ગામની વસ્તી અંદાજે 3 હજાર જેટલી છે. કોળી પરીવારની એક 9 વર્ષની દિકરી પર મકાનની છત પડવાથી મોત નિપજ્યું હતું. અન્ય 3 લોકોને ઇજા થઇ હતી. જ્યારે સરકાર તરફથી મૃત્યુ પામેલા દિકરીના પરીવારને રૂ.4 લાખની સહાય આપી છે. ઇજાગ્રસ્તને સહાય ન મળી નથી. તેમજ રૂ.4 લાખની સહાયમાંથી ઇજાગ્રસ્તોની સારવારમાં અત્યાર સુધી રૂ. 2 લાખનો ખર્ચ થઇ ગયો છે.

ઊના તાલુકાના ચાંચાકવડ ગામે વાડી વિસ્તારમાં કાચા મકાનમાં વસવાટ કરતા મોહનભાઇ રૂડાભાઇ સોલંકી મજુરી કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. .17 મે.2021ના વાવાઝોડાની આગાહી હોય અને સાંજના સમયે વાતાવરણમાં વાવાઝોડાની અસર દેખાતા ગામમાં શિતળાઇમાં વિસ્તારમાં રહેતા તેમના મોટાભાઇ પાલાભાઇના ઘરે રહેવા આવી ગયા હતાં. રાત્રીના સમયે તેમની 9 વર્ષની દિકરી શાંતુ મોહનભાઇ સોલંકી તેમના પરીવારજનો સાથે એક રૂમમાં સુતા હતા. અચાનક મકાનની છત પરના પીઢીયા નીચે પડતા શાંતુબેનને ગંભીર ઇજા પહોચતા તેમનું મોત થયું હતું.

જ્યારે રૂમમાં પરીવારના અન્ય સભ્યો મનસુખભાઇ,રાતીબેન તથા વાલીબેનને ઇજા થઇ હતી. તા.27 મે નાં મૃતક પુત્રી શાંતુબેનની સહાયના રૂ. 4 લાખ આવ્યા છે. તેમાંથી તેમના પિતા મોહનભાઇએ પરીવારના સભ્યોની સારવાર પાછળ અત્યાર સુધીમાં રૂ.2 લાખનો ખર્ચ કરી નાખ્યો છે. હજુ કેટલો ખર્ચ થશે તે નક્કી નથી. હજુ ઇજાગ્રસ્તો પથારીવશ હોય સરકાર તરફથી ઇજા પામેલા લોકોને સહાય ન આપી હોવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

અમારો ગામનો કોઇ ભાવ પુછતું નથી
ચાંચકવડ ગામના આગેવાન તથા માજી ઉપસરપંચ રમેશભાઇ કામલીયાએ જણાવ્યું હતુ કે,અમારા ગામનો કોઇ ભાવ પુછતા નથી. માત્ર પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ વારંવાર ફોન કરી ગામના ખબર અંતર પુછે અને તેમણે ગામમાં જનરેટર મોકલી પાણીની વ્યવસ્થા કરી આપી છે.સર્વે કરવા વારંવાર આવ્યા પણ ગામમાં સહાયની રકમ આવી નથી.

100 લોકોને કેશ ડોલ પણ ચુકવાયા નથી : ઉપસરપંચ
ચાંચકવડ ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન ગામમાં 100 થી વધુ લોકો ચોરામાં અને મંદિરમાં રહેવા ગયા હતા. તેમ છતાં પણ આવા સ્થળાંતર થયેલા લોકોને કેશડોલની રકમ ચુકવાય નથી.

સ્થળાંતરની વિગત તલાટીને આપી હતી : સરપંચ
ચાંચકવડના સરપંચ માલાભાઇએ જણાવ્યું હતું કે, 100 થી વધુ લોકોએ સ્થળાંતર કર્યુ હતું. એ વાત તલાટી મંત્રીને કરી હતી,પરંતુ તલાટી મંત્રીએ કહ્યુ કે, નિશાળમાં સ્થળાંતર કર્યુ હોય તેને કેશડોલ મળે ચોરામાં કે મંદિરમાં સ્થળાંતર કર્યુ હોય તેને સહાય ન મળે.

મને સરપંચે કહ્યું કે, કોઇ સ્થળાંતર કર્યું નથી : તલાટી મંત્રી
આ સ્થળાંતર બાબતે તલાટી મંત્રીને પુછતા તેમણે જણાવ્યું હતુ કે, મે સરપંચને પુછ્યુ હતું. કેટલા લોકોએ સ્થળાંતર કર્યુ તો સરપંચે જણાવ્યું કે, કોઇએ સ્થળાંતર કર્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...