પાણીનો વેડફાટ:ઊનાના નાથળમાં છત્તે પાણીએ પ્રજા તરસી

ઊના4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પંચાયતે કર્મચારીને પગાર ન ચૂકવતાં તેણે કામ છોડી દીધું, પાણીનો વેડફાટ

ઊના તાલુકાની નાથળ ગ્રામ પંચાયતનાં સંપ અને કુવામાંથી ગામને વસ્તીના ધોરણે પાણી અપાય છે. પણ પંચાયતની પાણી વિતરણ વ્યવસ્થા સંભાળતા કર્મચારીને પંચાયતે પગારની ચૂકવણી ન કરતાં તેણે ઝોન વાઇઝ વાલ્વ ખોલવાનું છોડી દીધું હતું. આથી સંપમાં આવતું નર્મદા યોજનાનું પાણી ઓવરફ્લો થઇ સંપ, કુવા અને અવેડાની આજુબાજુના વિસ્તારમાં વેડફાઇ જાય છે.

આ પાણી બાજુમાં જ આવેલા તળાવમાં જતું રહેવાના કારણે ગામ લોકોને છતે પાણીએ તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. ઊના તાલુકાના 5 હજારથી વધુ વસ્તી ધરાવતા નાથળમા પાણી પુરવઠા બોર્ડ દ્વારા સંપ હેડ ટાંકી બનાવીને કેસરિયા ઝોનમાંથી પાણી વિતરણ કરાય છે. અને વાસ્મો યોજના હેઠળ ઘેર ઘેર નળ કનેક્શનનું જોડાણ આપ્યું છે.

આ ઉપરાંત પંચાયત કચેરીનો માલિકીનો કુવો પણ સંપ પાસે આવેલો છે. તેમાં પણ પાણીનો જથ્થો વિપુલ માત્રામાં હોવા છતાં 20 દિવસથી આખું ગામ પાણીનાં વાંકે ટળવળે છે. પણ નાથળ ગ્રામ પંચાયતનાં સત્તાધિશો અને મંત્રી દ્વારા આ પાણી વ્યવસ્થા પૂરી પાડવામાં બેદરકારી દાખવવાનો આક્ષેપ ગામ લોકો કરી રહ્યાં છે. ખુદ પંચાયતના સભ્ય હમીરભાઇ બારડ અને તાલુકા પંચાયતના સભ્ય એભાભાઇ મકવાણાએ આ અંગેના આક્ષેપો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...