ઊનાના સનખડા ગામે આવેલી શાળાનું બિલ્ડીંગ છેલ્લા ઘણા વર્ષોથી જર્જરીત હાલતમાં હોઇ છાત્રો પર પોપડા પડવાનું જોખમ મંડરાઇ રહ્યું છે. આથી શાળાના નવા બિલ્ડીંગનું બાંધકામ તાત્કાલીક હાથ ધરી છાત્રોના હિતમાં કામ કરવામાં આવે એવી માંગણી તાલુકા પંચાયત સભ્ય પુનુબા માંડણભાઇ ગોહીલે રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ ઉઠાવી છે.
માંગણીમાં જણાવાયું છે કે, ઊનાની સનખડા ગ્રામ પંચાયત સંચાલીત એમ. જી. દામાણી હાઇસ્કુલમાં ધો. 9 અને 10 માં 353 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ આ બિલ્ડીંગ વર્ષોથી જર્જરીત હાલતમાં હોવાથી શાળામાં ભણવા આવતા તમામ છાત્રો તેમજ શિક્ષકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા છે.
આ શાળાના જર્જરીત બિલ્ડીંગના રૂમોમાં સ્લેબ ઉપર તિરાડો પડી જવા સાથે પોપડા પણ ઉખડી જતાં સ્લેબમાંથી લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. જેના કારણે આ રૂમો છાત્રો માટે જોખમરૂપ સાબિત થાય એમ છે. દિવાલોમાં પણ તિરાડો જોવા મળે છે. અહીં ચોમાસા દરમ્યાન વરસાદનું પાણી ક્લાસ રૂમમાં ટપકતું હોવાથી છાત્રોના અભ્યાસ પર ગંભીર અસર પડે છે.
જેના કારણે અભ્યાસ ક્રમ ખોરવાઇ જતો હોય છે. આજુબાજુના 10 ગામના છાત્રો અહીં ભણવા આવે છે. ત્યારે છાત્રોના શિક્ષણનું ભાવી તેમજ વિકાસને ધ્યાને લઇ અને બિલ્ડીંગનું નવું બાંધકામ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાય. જેથી છાત્રો ભય વગર શાળાના રૂમમાં શિક્ષણ સારી રીતે મેળવી શકે.
શાળાનાં નવા બિલ્ડીંગને મંજૂરી મળી, જગ્યા ફાળવાઇ, પણ કામ અટકેલું
જાણવા મળ્યા મુજબ, સનખડાની આ શાળાનાં નવા બિલ્ડીંગ માટેની મંજૂરી મળી ગઇ છે. અને એ માટેની જગ્યા પણ ફાળવાઇ છે. પણ તેનું કામ હજુ સુધી આગળજ વધ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.