તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનામાં લૂંટેરી દુલ્હન સામે કાર્યવાહી:ખેલ પાડે એ પહેલાં જ પોલીસે ઝડપી; વચેટિયા બનેલી જૂનાગઢની મહિલા સહિતની ટોળકી પણ પકડાઈ

ઉના3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લૂંટેરી દુલ્હન સપના. - Divya Bhaskar
લૂંટેરી દુલ્હન સપના.

ઉનામાં લગ્ને-લગ્ને કુંવારી લૂંટેરી દુલ્હન આજે સવારના સમયે એક યુવક અને તેના મળતિયાઓ સાથે વાજતે-ગાજતે લગ્ન કરવા પહોંચી ગઈ હતી, પણ વરરાજાને તેની પોલ અંગે પહેલેથી જ જાણ થઇ જતાં તેણે પોલીસને જાણ કરી દીધી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લૂંટેરી દુલ્હન, દલાલ મહિલા સહિતની ટોળકીને પકડી લીધી હતી.

વચેટિયા મહિલા કાજલ.
વચેટિયા મહિલા કાજલ.

સગાઈ વખતે લેવડ-દેવડની વાત કરી હતી
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, તાલુકાના નાળિયેરી મોલી ગામે રહેતા રમેશભાઇ હરિભાઇ રાખોલિયાના એકના એક પુત્ર હિતેશ (ઉં. 30)ના લગ્ન કરાવવાના હોઇ તેમણે બાજુના કાકડીમોલી ગામે રહેતા વિનુભાઇ રણછોડભાઇ રાઠોડને વાત કરી હતી. વિનુભાઇએ કન્યા રાજકોટ હોઇ ત્યાં જવું પડશે એમ કહ્યું હતું, આથી હિતેશ, તેનો મિત્ર પરેશ રામાણી અને વચેટિયા વિનુભાઇ સહિતના લોકો રાજકોટ ગયા હતા. ત્યાં સપના રમેશભાઇ કોસિયા નામની યુવતી સાથે હિતેશની મુલાકાત કરાવાઇ હતી. હિતેશ અને સપનાએ વાતો કરી એકબીજાને પસંદ પણ કર્યાં, પણ સગાઇ નક્કી કરવાની વાત આવી ત્યારે સપનાની સાથે રહેતી જૂનાગઢની યુવતી કાજલ પરેશ હીરપરાએ લેવડ-દેવડની વાત કરી.

ઉના કોર્ટમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હોય
સપનાના લગ્નની ખરીદી માટે રૂપિયા માગતાં હિતેશે રૂ. 20 હજાર રોકડા અને ખરીદી માટે કુલ રૂ. 41 હજાર રોકડા આપ્યા હતા. લગ્ન બાદ રૂ. 2 લાખ રોકડા આપવાના અને કન્યાના દાગીના પણ બનાવી આપવાનું નક્કી થયું હતું. વરરાજા હિતેશ પણ કન્યાપક્ષની વાતમાં સહમત થયો. 21 જૂને કન્યા પક્ષના લોકો ઉના આવી કોર્ટમાં લગ્ન કરશે એવું નક્કી થયું. ત્યાર બાદ શનિવારે કન્યા સહિત તેમના મળતિયા કારમાં ઉના પહોંચ્યા. કારનું રૂ. 5500 ભાડું પણ વરરાજાએ ચૂકવવાનું કહેતાં વરરાજાએ ચૂકવી આપ્યું. બાદમાં હિતેશભાઇ અને તેમનાં પરિવારજનો તેમના વકીલની ઓફિસે ગયાં હતાં. વકીલને વાત કરતાં તેમણે કન્યાના આધારકાર્ડ, જન્મ તારીખનો દાખલો સહિતના ડોક્યુમેન્ટ માગ્યા હતા, જે સપનાએ આપ્યા.

સાદા ડ્રેસમાં આવેલી પોલીસે ઝડપી પાડ્યાં
બાદમાં વરરાજાના વકીલે સઘળા ડોક્યુમેન્ટની તપાસ કરતાં એ બોગસ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાયું હતું, આથી તેમણે ગીર-સોમનાથ એસપીને અરજી કરી. મંગળવારે સપનાનો ફોન હિતેશ પર આવ્યો કે અમે 23 મીએ આવીશું. તમે દાગીના અને રૂ. 2 લાખ રોકડા તૈયાર રાખજો, આથી હિતેશભાઇએ ઉના પોલીસને આ વાતથી વાકેફ કરી હતી. સવારે 11 વાગ્યે સપના, તેની માતા કાસીબેન રમેશ કોસિયા, કાજલ પરેશ હીરપરા, કાકડીમોલી ગામનો વચેટિયો વિનુ રાઠોડ અને તેની પત્ની ક્રિષ્ના અને બીજા બે શખસો ઉના કોર્ટમાં આવ્યા. એ વખતે સાદા ડ્રેસમાં આવેલી પોલીસે તમામને ઝડપી લઇ પોલીસ સ્ટેશને લાવ્યા હતા અને સમગ્ર કૌભાંડ અંગે પૂછપરછ હાથ ધરી હતી. આ અંગેની વરરાજા હિતેશ રમેશભાઇ રાખોલિયાની ફરિયાદને આધારે નવેય સામે ગુનો નોંધાયો છે.

લૂંટેરી દુલ્હન સાથે પકડાયેલા 9 શખસનાં અસલી નામ
વિનોદભાઇ ઉર્ફે વિક્રમ રણછોડ રાઠોડ, ક્રિષ્ના ઉર્ફે ગીતાંજલિ વિનોદ રાઠોડ, અંજુમ ઉર્ફે સપના નાઝીર હુસૈન સોલંકી, શારબાઇ ઉર્ફે સાયરા ઉર્ફે કાશીબેન હનીફભાઇ ઠેબા, ભાવનાબેન ઉર્ફે કાજલબેન રાજેશ ગડારા, ગોવિંદ હિરાભાઇ વ્યાસ, અશ્વિન ધરમશી લીંબોડિયા, વિશાલ બેચર સરવૈયા, ગોવિંદ ધરમશી લીંબોડિયા.